દેશ-વિદેશ
News of Tuesday, 7th July 2020

કોરોના સામે જંગ જીતેલા લોકો કાયમ માટે સૂંઘવાની ક્ષમતા ગુમાવી રહ્યા છે

કોરોના સંક્રમણનો શિકાર બનેલા લોકો એનોસ્મિયાનો ભોગ બની રહ્યા છે

લંડન, તા.૭: ચીનમાંથી ઉભી થયેલી કોરોના મહામારી સમગ્ર દુનિયામાં તબાહી મચાવી રહી છે, વિશ્વમાં લાખો લોકો આ બીમારીનો ભોગ બની ચૂકયા છે. એવામાં મહામારીને લઇને ચાલી રહેલા રિસર્ચમાં ચોંકાવનારો અને ડરામણો ખુલાસો થયો છે. ડોકટર્સ મુજબ કોરોના મહામારી વિરુદ્ઘ જંગ જીતી ચૂકેલા કેટલાક લોકોએ હમેશાં માટે અદ્રશ્ય ખામીવાળુ જીવન જીવવુ પડશે. કોરોનાની ઝપેટમાં આવવાથી સૂંઘવાની શકિત ગુમાવી બેઠા છે અને આ સ્થિતિ સાથે તેઓ જીવનભર રહેવા મજબૂર છે. તબીબોના જણાવ્યા મુજબ એનોસ્મિયા એટલે કે ગંધનો અનુભવ ન કરી શકવાની નિર્બળતા એક પ્રકારની અદ્રશ્ય વિકલાંગતા છે. જેનો કોઇ ઇલાજ નથી. કોરોના સંક્રમણ સામે જીતી ચૂકેલા લોકોમાં સ્મેલ લેવાની ક્ષમતા ખતમ થઇ ચૂકી હોવાના દાખલા સામે આવી રહ્યા છે. પીડિતોની મદદ માટે ઉભુ કરવામાં આવેલા સમૂહ anosmie.orgના ચીફ મેલાર્ડનુ કહેવુ છે કે, એનોસ્મિયા તમારા જીવનમાં સ્મેલ લેવાની શકિત ખતમ કરી નાંખે છે, જે એક પ્રકારનો અત્યાચાર છે. પેરિસના એક નિષ્ણાંત મુજબ એનોસ્મિયા માટે દ્યણા કારણો જવાબદાર છે જેવા કે નાકમાં ચેપ લાગવો, રાઇનાઇટિસ, ડાયાબિટીશ, અલ્ઝાઇમર પરંતુ હવે કોરોના સંક્રમણને પણ તેમાં સામેલ કરવામાં આવ્યુ છે.

પેરિસમાં સ્થિત બે મોટા હોસ્પિટલ્સ આ મુદ્દે રિસર્ચ કરી રહ્યા છે.

(11:40 am IST)