દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

તમે જયાં રહો છો એનાથી ખુશ છો ? તો લાંબુ જીવશો

લંડન, તા. ૬ : સામાન્ય રીતે તમે જે શહેરમાં જે પાડોશમાં રહેતા હો એનાથી ખુશ હો તો એની અસર તમારી જીવાદોરી પર પણ પડી શકે છે. સામાન્ય રીતે તમે પ્રદુષિત વાતાવરણમાં રહો છો, ટ્રાફિકવાળી કે ઘોંઘાટવાળી જગ્યાએ રહો છો તો એની સ્વાસ્થ્ય પર અસર પડે છે એવું કહેવાતું હોય છે. જો કે હેલ્થ એન્ડ પ્લેસ નામની જર્નલમાં છપાયેલા એક અભ્યાસમાં તારવાયું છે કે તમે કોઇપણ જગ્યાએ રહેતા હો, જો ત્યાં રહીને તમે આનંદિત રહેતા હો તો એ તમારી આવરદા વધારે છે. અભ્યાસમાં પ૦ વર્ષથી મોટી વયના ૧૧,૦૦૦ પુખ્તોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. તમામ પુખ્તોને સ્વાસ્થ્યનાં વિવિધ પરિમાણો વિશે સવાલ પુછવામાં આવ્યો હતો તેમજ તેઓ જયાં રહે છે એ વિસ્તારથી ખુશ છે કે નાખુશ એને શુન્યથી દસના સ્કેલ પર આંકવાનું હતું. લગભગ દસ વર્ષમાં દર બે વર્ષે તેમની પાસે આ પ્રશ્નાવલિ ભરાવવામાં આવી હતી. યુનિવર્સિટી કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને યુનિવર્સિટી ઓફ સસેકસના નિષ્ણાતોએ વિવિધ કમ્યુનિટીમાં આ પ્રયોગ કર્યો હતો. એનું તારણએ હતું  કે જે લોકો પોતે જયાં રહે છે એ વિસ્તાર સાથે પોતીકાપણું ન અનુભવતા હોય, ઘર, વિસ્તાર, શહેરમાં સુખ અને સલામતી ન અનુભવતા હોય તો એની માઠી અસર સ્વાસ્થ્ય પર પડે છે. એનાથી ઉલટુ પોતીકાપણાની લાગણી ઘર, વિસ્તાર સાથે સંકળાયેલી હોય તો સ્વાસ્થ્ય અને આવરદા બન્ને સારાં રહે છે. (૯.૧પ)

(4:07 pm IST)