દેશ-વિદેશ
News of Thursday, 6th August 2020

આને કહેવાય પતલી કમરિયા

આપણે ત્યાં પાતળી કમર માટે છોકરીઓ કંઈ કેટલાંય વાનાં કરતી હોય છે. એમાં જો બર્માની ૨૩ વર્ષની સુ મોહ મોહ નાઈંગ નામની યુવતીની કમર જોશો તો-તો છક થઈ જવાશે. તેની કમર માત્ર ૧૩.૭ ઇંચની છે જે તેને વિશ્વમાં સૌથી પાતળી કમર ધરાવતી કેટલીક યુવતીઓમાં સ્થાન અપાવે છે. આવી કમર જોઈને સ્વાભાવિક સવાલ થાય કે કિસ ચક્કી કા આટા ખાતે હો... જોકે આશ્યર્યની વાત એ છે કે સુ નાઈંગનું કહેવું છે કે તે પાતળી કમર માટે કોઈ એકસરસાઇઝ કે ડાયટિંગનો સહારો નથી લેતી, આ તો તેની કુદરતી જનીનગત ખાસિયત છે. એમ છતાં સુ નાઈંગ પર તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટોનું ડિજિટલી એડિટિંગ કરવાનો તેમ જ પાતળી કમરને વધુ પાતળી બનાવવા માટે ટાઇટ કોર્સેટ પહેરવાનો આક્ષેપ મુકાયો છે. આ તમામ આક્ષેપોને નકારતાં આ બહેનનું કહેવું છે કે તેમની કમર કુદરતી જ પાતળી અને તે નેચરલી જ આવી સ્વસ્થ અને તંદુરસ્ત છે એટલે તેને પોતાના દેખાવનો ગર્વ છે. હાલમાં ગિનેસ બુકમાં સૌથી પાતળી કમર ધરાવવાનો રેકોર્ડ એથેલ ગેન્ગરના નામે છે. તેની કમર માત્ર ૧૩ ઇંચની છે, પરંતુ તે તેની કમરને પાતળી રાખવા સતત કોર્સેટ પહેરી રાખે છે.

(4:18 pm IST)