દેશ-વિદેશ
News of Thursday, 6th August 2020

આફ્રિકાના આ સ્ટાઇલિશ ભાઈએ માસ્કનું મેચિંગ કલેકશન પર વસાવી લીધું

કેન્યાના નૈરોબીમાં રહેતા જેમ્સ મેઇના મવાંગી નામના ભાઈ પોતાને ફકત નૈરોબી કે કેન્યા જ નહીં, સમગ્ર આફ્રિકાના મોસ્ટ સ્ટાઇલિશ મેન તરીકે ઓળખાવે છે. તેને ભડક રંગનાં કપડાં ગમે છે. સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર જેમ્સ પાસે ૧૬૦ સૂટ, બસો જોડી જૂતાં અને ૩૦૦ હેટ છે. તેની પાસે મેચિંગ કલરની પેન અને સ્માર્ટફોનનાં કવર્સ પણ છે. હવે જયારથી કોરોનાનો રોગચાળો ફેલાયો છે ત્યારથી મેચિંગ કલરના ડઝનબંધ ફેસ માસ્કસ પણ તેણે વસાવ્યા છે. એ ફેસ મોસ્કસ પણ સસ્તી કવોલિટીના નથી. મવાંગીની ફેશન એકસેસરીઝમાં હવે કોરોના સંબંધી સામગ્રીનો પણ સમાવેશ થઈ ચૂકયો છે. તેની ખાસિયત છે કે તે દરેક વખતે બધું મેચિંગ કલર્સનું જ વાપરે છે. તેનાં વસ્ત્રો, સ્માર્ટફોન કવર્સ, બૂટનાં મોજાં અને ફેસ માસ્કસ બધું જ સરખું હોય.

તેનો પરિવાર ગરીબ હોવાથી જેમ્સે બાર વર્ષની ઉંમરે ભણવાનું છોડી દીધું હતું. ત્યાર પછી દુકાનો અને કારખાનાંમાં અનેક પ્રકારનાં કામો શીખ્યો. હવે તે જે મળે એ કામ કરીને સારી કમાણી કરે છે અને ફેશનેબલ વસ્ત્રો, જૂતાં વગેરેનો શોખ પૂરો કરે છે. તેનું કહેવું છે કે તેનો પરિવાર નૈરોબી શહેરમાં આવ્યો ત્યારે તેની પાસે એક જ શર્ટ હતું. લોકો તેની મશ્કરી કરતા હતા, કારણ કે સૌ જાણતા હતા કે જેમ્સના પિતા સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માનનીય વ્યકિત છે, પરંતુ તેમની પાસે પૈસા નથી. સમાજમાં આ હાંસીપાત્ર સ્થિતિથી છુટકારો મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરતાં-કરતાં જેમ્સ ખૂબ મહેનત કરીને પૈસા કમાવા માંડ્યો. હવે તે સરસ મજાના સૂટ પહેરીને રસ્તા પર ઊભો રહે ત્યારે સૌનું ધ્યાન એ તરફ આકર્ષાય છે. જેમ્સ ફેશનેબલ વસ્ત્રોને કારણે સોશ્યલ મીડિયા દ્વારા આખી દુનિયામાં જાણીતો બન્યો છે. જેમ્સ તેના ચર્ચના સાથીઓને કયારેક એકાદ-બે દિવસો માટે પહેરવા માટે તેના સૂટ આપે છે. જેમ્સના સૂટની કિંમત ૧૦,૦૦૦ કેન્યન શિલિંગ્સ (અંદાજે ૭૦૦૦ રૂપિયા)થી ૮૦,૦૦૦ કેન્યન શિલિંગ્સ (અંદાજે ૫૬,૦૦૦ રૂપિયા) સુધી હોય છે.

(4:17 pm IST)