દેશ-વિદેશ
News of Saturday, 6th February 2021

ડાબા - જમણાની ઓળખમાં ગોટાળા થતા હોવાથી L અને Rનું ટેટૂ જ કરાવી દીધું !

ડિ'કોડિયા લાઇન નામની ૨૩ વર્ષની યુવતીને ડાબા-જમણાની ઓળખ કરવામાં હંમેશા ગરબડ થતી હતી

નવી દિલ્‍હી તા. ૬ : ડિ'કોડિયા લાઇન નામની ૨૩ વર્ષની યુવતીને ડાબા-જમણાની ઓળખ કરવામાં હંમેશાં ગરબડ થતી હતી. બાળપણમાં તો વાંધો ન આવ્‍યો, પણ જેમ-જેમ મોટી થતી ગઈ એમ તેની આ મૂંઝવણ તેના મિત્રો વચ્‍ચે તેને હાંસીપાત્ર બનાવતી હતી. સમસ્‍યા તો ત્‍યારે થઈ જયારે ગયા વર્ષે કેનબેરામાં સ્‍કેવેન્‍જર હન્‍ટ પાર્ટીમાં તેણે ટીમને હન્‍ટિંગ માટે દિશાનિર્દેશ આપવાનો હતો. ડ્રાઇવરને કેટલાક ખોટા દિશાનિર્દેશ આપી દીધા હોવાને કારણે તેમની ટીમ ગોટાળે ચડી ગઈ. આખરે તેના મિત્રોએ તેના હાથ પર ડાબી અને જમણી બાજુનો નિર્દેશ કરતા લેફટનો L અને રાઇટનો R લેટર પેન વડે લખી આપ્‍યો.

જોકે મજાક-મસ્‍તીમાં કરવામાં આવેલો આ આઇડિયા ડિ'કોડિયા લાઇનને ઘણો ઉપયોગી લાગતાં તેણે પોતાના હાથના અંગૂઠા પર આ બે અક્ષરોનાં ટેટૂ જ ચીતરાવી દીધાં અને હંમેશ માટેની લેફટ-રાઇટની સમસ્‍યાનો અંત જ આવી ગયો. તેણે પોતાના હાથના અંગૂઠા પર ચીતરાવેલા આ ટેટૂવાળા ફોટો ફ્રેન્‍ડ્‍સને મોકલ્‍યા અને તેમને પણ આ કાયમી ઉકેલ ગમી ગયો.

(1:25 pm IST)