દેશ-વિદેશ
News of Tuesday, 6th February 2018

જો તમારા પાર્ટનરનું વજન ઉતારવું હોય તો તમારી પોતાની ફિટનેસ પર ધ્યાન આપો

ન્યુયોર્ક તા. ૬ :.. જયારે બેમાંથી કોઇ એક પાર્ટનરનું વજન વધુ હોય ત્યારે વેઇટલોસ માટે સલાહો આપવાને બદલે તમે પોતે તેની સાથે ફિટ થવા માટે લાગી પડશો તો વધુ સારૃં પરિણામ મળશે એવું અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે. ઓબેસિટી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ જે લોકોએ પોતાનું વજન ઘટાડીને ફિટ થવા હેલ્ધી જીવનશૈલી કેળવવી શરૂ કરી હોય છે તેમને તો ફાયદો થાય જ છે, પણ સાથે તેમના નજીકમાં રહેતા લોકો અને ખાસ તો પાર્ટનરને એનાથી સૌથી વધુ ફાયદો થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેકિટકટના નિષ્ણાતોએ ૧૩૦ કપલ્સના વેઇટલોસ પ્રોગ્રામને છ મહિના સુધી મોનિટર કર્યો હતો. એમાં નોંધાયું હતું કે યુગલ સાથે હેલ્ધી  જીવનશૈલીને ફોલો કરવાનું શરૂ કરીને વેઇટલોસના સઘન પ્રયત્ન કરે તો એકલપંડે વેઇટલોસનો પ્રયાસ કરવા કરતાં ત્રણ ટકા વધુ વેઇટલોસ થાય છે. અભ્યાસમાં તો એટલે સુધી કહેવાયું છે કે યુગલમાંથી કોઇ એક પાર્ટનર હેલ્ધી જીવન શૈલી જીવવાનું શરૂ કરે તો આપમેળે બીજા પાર્ટનગરને પણ વજન ઉતારવાની પ્રેરણા મળે છે. અને એમાં ઘણે અંશે સફળતા પણ મળે છે.

(11:47 am IST)