દેશ-વિદેશ
News of Saturday, 5th December 2020

ઓએમજી......સમુદ્રના પેટાળમાં મળી આવ્યા 120 ડિગ્રીના તાપમાનમાં રહેતા સૂક્ષ્મજીવો

નવી દિલ્હી: સૌથી ઊંચા તાપમાનમાં રહેવાની સજીવોની ક્ષમતા નવેસરથી તપાસનો વિષય બને એવી એક ખોજ સંશોધકોએ કરી છે. સમુદ્રના પેટાળમાંથી ૧૨૦ ડિગ્રી તાપમાનમાં રહી શકતા સુક્ષ્‍મજીવો મળી આવ્યા હતા. સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે દુનિયાના કુલ ૪૦ સ્થળોએથી ૪૦ હજાર જેટલી સુક્ષ્‍મજીવોની પ્રજાતિ મળી આવી હતી.

      સમુદ્રના પેટાળમાં જ્યાં પાણી ગરમ થતું હોવાથી તાપમાન ૧૨૦ ડિગ્રીએ પહોંચી જાય છે એના કાંપમાંથી વિજ્ઞાાનિકોએ સુક્ષ્‍મજીવો શોધી કાઢ્યા છે. એક આંતરરાષ્ટ્રીય ટીમે ૧૦૦થી ૧૨૦ ડિગ્રી સુધી સમુદ્રના પેટાળમાં તાપમાન પહોંચી જતું હોય એવી દુનિયાની ૪૦ સાઈટ્સ તપાસી હતી. એમાં ૪૦ હજાર પ્રજાતિના સુક્ષ્‍મજીવો જોવા મળ્યા હતા. ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ટીમે આ સંશોધન હાથ ધર્યું હતું. એ પછી તેના નમૂના એકઠા કરીને ત્રણેક વર્ષ સુધી અભ્યાસ કરાયો હતો. એ અભ્યાસ પરથી તૈયાર થયેલો અહેવાલ સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. જાપાનના દરિયાના ઊંડાણમાંથી સૌથી ઊંચા ૧૨૦ ડિગ્રી તાપમાનમાં રહેતા સુક્ષ્‍મજીવો મળ્યા હતા. આ સુક્ષ્‍મજીવો કાર્બન અને કાંપના કારણે જીવંત રહેતા હતા એવા તારણ પર સંશોધકો પહોંચ્યા હતા.

(6:07 pm IST)