દેશ-વિદેશ
News of Tuesday, 5th November 2019

કંપનીનું વેચાણ વધતા માલિકે કર્મચારીઓનાં પગ ધોઇને અનોખી રીતે આભાર માન્યો

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ

બેઈજિંગ, તા.પઃ ચીનમાં એક કંપનીના બોસે પોતાના કર્મચારીઓના આકરી મહેનત માટે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે દ્યૂંટણીયે બેસીને તેમના પગ ધોયા હતા. આ દ્યટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં એક કોસ્મેટિક કંપનીની પ્રમુખ અને એક સિનિયર એકિઝકયુટિવે સ્ટેજ પર ખુરશીમાં બેઠેલા તેમના કર્મચારીઓના પગના મોજા ઉતાર્યા હતા અને તેમના પગને ધોયા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે કંપનીના સેલ્સ સ્ટાફે સૌથી વધારે ગ્રાહકો નોંધાવ્યા તે બદલ બોસે તેમના પગ ધોયા હતા.

આ ઈવેન્ટ ઈસ્ટર્ન ચીનના શેન્ડોંગ પ્રાંતના જિનાનમાં બીજી નવેમ્બરે યોજાઈ હતી. જોકે, આ કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ એક કોસ્મેટિક કંપની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાઈરલ બનેલા વીડિયોમાં કંપનીની બે અધિકારી તેમના હાથ જોડીને કર્મચારીઓના પગ પાસે બેસી જાય છે. સામે સેલ્સ સ્ટાફના આઠ કર્મચારીઓ ખુરશી પર બેઠા હોય છે. આ કર્મચારીઓએ કંપનીના ઉત્પાદનોનું વેચાણ ઘણું વધાર્યું હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સે પૂછ્યું છે કે આવું કરવાથી શું ફાયદો થશે તો દ્યણા યુઝર્સે કંપનીની પ્રશંસા પણ કરી હતી. એક યુઝરે ચીનની ટ્વિટર સ્ટાઈલની સાઈટ વેઈબો પર લખ્યું હતું કે કર્મચારીઓનો આભાર માનવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. હું તેનું સમર્થન કરું છું. અન્ય એક યુઝરે લખ્યું હતું કે આ એક સામાન્ય વાત છે. તમે મારા માટે ઘણા રૂપિયા કમાવ્યા છે. તમારા પગ ધોવા કોઈ મોટી વાત નથી.

જયારે એક યુઝરે લખ્યું હતું કે સ્ટાફને બોનસ ન આપવું પડે તે માટે બોસે આ રસ્તો શોધી કાઢ્યો છે. તેણે લખ્યું હતું કે બોસ લુચ્ચો છે. તેણે એટલા માટે કર્મચારીઓના પગ ધોયા છે કેમ કે તે તેમને નાણાકિય ઈનામ આપવાનું ટાળવા ઈચ્છે છે.

(10:03 am IST)