દેશ-વિદેશ
News of Wednesday, 5th October 2022

આ મહિલા બેગમાં લેપટોપ નહીં પરંતુ પોતાનું હૃદય લઇને ફરે છે

લંડનમાં રહેતી ૪૪ વર્ષની સલવા હુસેન નામની મહિલાના શરીરમાં હૃદય જ નથી

લંડન,તા. ૫ : શરીરમાં ધબકતું હૃદય જ માણસના જીવંત હોવાની નિશાની હોય છે પરંતુ ઇસ્‍ટ લંડનમાં રહેતી ૪૪ વર્ષની સલવા હુસેન નામની મહિલાના શરીરમાં હૃદય જ નથી. તેના શરીરને લોહીનો પુરવઠો ૭ કિલો વજન ધરાવતી બેટરીવાળા મશીનથી પુરો પાડવામાં આવે છે. ૭ કિલો વજન ધરાવતું કૃત્રિમ હૃદય ગણાતું ખાસ મશીન બેગમાં લઇને ફરે છે. તે ગમે ત્‍યાં હરે ફરે હૃદય ભરેલી બેગ હંમેશા તેની સાથે હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ મહિલાને ઘરમાં એકલી હતી ત્‍યારે હાર્ટ એટેક આવ્‍યો હતો. તે ખૂબજ હિંમત રાખીને સારવાર માટે પોતાના ફેમિલી ડોકટર પાસે પહોંચી હતી, છેવટે જો જીવન બચાવવું હોયતો હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ જ એક માત્ર ઉપાય હતો. લંડનમાં હાર્ટ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાનો નિર્ણય તો લેવાયો પરંતુ સલવા

હુસેનની તબિયત સારી ન હોવાથી શકય બન્‍યું ન હતું. મહિલાના શરીરમાં હાર્ટ ટ્રાન્‍સ પ્‍લાન્‍ટ ન થઇ શકયું તેના સ્‍થાને આધૂનિક ડિવાઇસ પર રાખીને જીવાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. સલવાનો જીવ બચાવવા માટે શરીરને કૃત્રિમ હૃદય પર રાખવું એ જ એક માત્ર ઉપાય બચ્‍યો હતો.

કૃત્રિમ હૃદય ગણાતું મશીન બે બેટરીથી સંચાલિત એક પ્રકારનું ડિવાઇસ છે. સલાવ માટે હવે આ બે બેટરીઓ વાળું મશીન જ જીંદગી બની ગયું છે જે હંમેશા તેની સાથે  રહે છે. સલવા હુસેન બ્રિટનમાં શરીરમાં હૃદય વિના જીવતી એક માત્ર વ્‍યકિત છે આથી તેની સ્‍ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

લોકો નાની મોટી બીમારીમાં હતાશ થઇ જતા હોય છે પરંતુ સલવા હંમેશા ખૂશ મિજાજ રહે છે. સલવા બે બાળકોની માતા સલવા જેમ હૃદય ભરેલી બેગ ખોળામાં લઇને બેસે છે. બહાર નિકળે ત્‍યારે હાથમાં રાખે છે. મશીન વડે શરીરને લોહીનો પુરવઠો આપવો એ એક સાયન્‍સ છે પરંતુ મહિલાનું મજબૂત મન અને જુસ્‍સાને સૌ સલામ કરી રહયા છે. લોકો નાની વાતમાં હિંમત હારી જતા હોય છે પરંતુ પહાડ જેવડી મુસિબત છતાં સલવા હુસેન હિંમત હારી નથી.

સલવા હુસેનની છાતીમાં પાવર પ્‍લાસ્‍ટિક લગાવવામાં આવ્‍યા છે જેમાંથી બે પંપ પાઇપ બહાર નિકળે છે. બે બેટરીઓ દ્વારા મોટરથી સંચાલિત પંપ ચેમ્‍બર્સને હૃદયની જેમ શરીરને લોહીનો પુરવઠો પુરો પાડે છે. આ ચેમ્‍બર્સ સલાવાની ચેસ્‍ટમાં છે જયારે પંપ,મોટર અને બેટરીઓ શરીરની બહાર છે. આ ત્રણેય ડિવાઇસને એક બીજા સાથે જોડીને બેગમાં રાખવામાં આવ્‍યા છે.

સામાન્‍ય માણસની બેગમાં શું હોય ? હીરા મોતી જવેરાત, પૈસા ? કપડા, દાગીના ? પરંતુ આ મહિલાની બેગમાં તો તેનું દિલ વસે છે. સલવાના શરીરમાં હૃદય ન હોવા છતાં ભવિષ્‍યની કોઇ જ ચિંતા કરતી નથી પરંતુ તેના પતિ અલને બેગમાં રહેલા હૃદયની બેટરી અચાનક કામ કરવાનું બંધ ના કરી દે તેની ચિંતા રહયા કરે છે કારણ કે ડિવાઇસની બેટરી જો ઉતરી તેવા સંજોગોમાં માત્ર ૯૦ સેકન્‍ડમાં જ બદલવી પડે છે.

(10:31 am IST)