દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

તમારી અધુરી ઊંઘથી દેશને થાય છે અબજોનું નુકસાન

અધુરી ઊંઘ છે ખતરનાક

નવી દિલ્હી તા. ૫ : તમે હંમેશા લોકોને સલાહ આપતા સાંભળતા હશો કે કામ ગમે તેટલું કેમ ન હોય પણ પર્યાપ્ત નીંદર કરી લેવી જોઈએ, ઊંઘની કમીથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે પણ તમે ખુબ જ સાંભળ્યું કે વાંચ્યું હશે. એટલું જ નહીં, પણ જો વ્યસ્તતાને કારણે તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ ન કરી શકો તો તેની અસર તમારા રોજિંદા જીવન પર પણ પડતી હોય છે. જાણીને તમે દંગ રહી જશો કે તમારા ન ઊંઘવાથી તમારા દેશને અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જો તમે પર્યાપ્ત ઊંઘ ન લઈ શકો તો તેનાથી તમારા દેશને અબજો રૂપિયાનું નુકસાન થતું હોય છે. ઓસ્ટ્રેલિયાની વિકટોરિયા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક સામાયિક પત્રએ છપાયેલ આ અભ્યાસમાં એક વ્યકિતની ઊંઘની કમીને કારણે થતા આર્થિક નુકસાનનું વિશ્લેષણ કર્યું હતું. ઊંઘની કમીથી થતા સ્વાસ્થ્ય સુવિધાઓ પરના ખર્ચ, કાર્યક્ષમતા પર અસર અને એકિસડન્ટથી થતા નુકસાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસના પરિણામ મુજબ ઓસ્ટ્રેલિયામાં લોકોની ઊંઘની કમીને કારણે લગભગ ૧૭.૮૮ બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (૮૭૨ અબજ રૂપિયા)નું નુકસાન થાય છે. જે ઓસ્ટ્રેલિયન જીડીપીના ૧.૫ ટકા થાય છે. આનાથી તમે અંદાજો લગાવી જ શકો છો કે અધૂરી ઊંઘને કારણે કોઈ દેશને તગડું આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે.

એક રિપોર્ટ મુજબ દુનિયાનો દરેક ત્રીજો વ્યકતી પૂરતી ઊંઘ નથી લઈ શકતો. આનાથી તેના સ્વાસ્થ્યને ભારે નુકસાન થાય છે પણ સાથે સાથે તેના કાર્યક્ષેત્ર માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. વિવિધ સર્વે દ્વારા માલુમ પડ્યું કે ઓસ્ટ્રેલિયામાં લગભગ ૩૩ ટકાથી ૪૫ ટકા લોકો પર્યાપ્ત ઊંઘ નથી લઈ શકતા. અમેરિકામાં ૩૦ ટકા લોકો અને બ્રિટનમાં ૩૭ ટકા લોકો પૂરતી ઊંઘ નથી લઈ શકતા.

(3:51 pm IST)