દેશ-વિદેશ
News of Wednesday, 5th January 2022

જાપાનમાં પાકિસ્તાનના એક વ્યક્તિના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવતા વિવાદ સર્જાયો

નવી દિલ્હી: જાપાનમાં પાકિસ્તાનના એક વ્યક્તિના શબના દાહ સંસ્કાર કરવામાં આવ્યા તેને લઈ વિવાદ જામ્યો છે. તે વ્યક્તિ પાકિસ્તાનના લાહોરની રહેવાસી હતી અને થોડા દિવસો પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ સ્થાનિક અધિકારીઓએ તેના શબને મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે દફનાવવાના બદલે દાહ સંસ્કાર કર્યા હતા. છેલ્લા 6 મહિનામાં બીજી વખત જાપાનમાં કોઈ પાકિસ્તાની વ્યક્તિના અંતિમ સંસ્કારી જાપાની પદ્ધતિથી કરી દેવાયા છે. આ ઘટનાને લઈ જાપાનમાં રહેતા પાકિસ્તાનીઓ ઈમરાન ખાન સરકારને સવાલો કરી રહ્યા છે. પાકિસ્તાનની અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે મૃતક વ્યક્તિનું નામ રાશિદ મહમૂદ ખાન હતું અને તે 50 વર્ષના હતા. તેમને કોઈ બાળક નહોતું. રાશિદના પત્ની જાપાનના જ હતા. રાશિદની પત્નીનો કોઈ જ પાકિસ્તાની કે કોઈ મુસ્લિમ સંગઠન સાથે કોઈ સંપર્ક નહોતો. રાશિદના એક નજીકના મિત્ર મલિક નૂર અવાને હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો ત્યારે આ વાત સામે આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે, રાશિદનું મૃત્યુ થયું છે અને જાપાનના રીત-રિવાજો પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. 

(6:58 pm IST)