દેશ-વિદેશ
News of Friday, 4th October 2019

માંદા, ડિસેબલ અને તરછોડી દેવાયેલાં ર૭ ડોગી આ બહેને પોતે પાળી લીધા છે અને દરેકને આપ્યું સેલિબ્રિટી જેવું નામ

લંડન તા. ૪: પ્રાણીપ્રેમી લોકો અબોલ જીવને બચાવવા માટે પોતાની જીવનશૈલી જ નહીં, આખું જીવન બદલી નાખવા તૈયાર થઇ જતા હોય છે. ઇંગ્લેન્ડમાં રહેતાં ૪૮ વર્ષનાં કલેર-લુઇસ નિકસન એનું અવ્વલ ઉદાહરણ છે. કલેરને આમ કંઇ બહુબધા પ્રાણીઓ પાળવાનો શોખ નથી, પરંતુ જયારે પાળેલાં પ્રાણીઓને તરછોડી દેવાયાં હોય ત્યારે તેનું દિલ દ્રવી જાય છે. એમાંય જયારે કોઇ ડોગી બહુ માંદુ પડે, હાથ-પગને એવી ઇન્જરી થાય કે તે હાલી-ચાલી ન શકે ત્યારે માલિકો ડોગીને શેલ્ટરહોમમાં છોડી દેતા હોય છે. શેલ્ટર-હોમમાં આવાં ડોગીઝની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન નથી અપાતું. કલેરે એવાં ડિસેબલ ડોગીઝને પોતાના ઘરે પાળ્યાં છે જે બીજું કોઇ રાખવાં તૈયાર નથી. આવાં ડોગીઝની સંખ્યા છે ર૭ની. કલેરે આ દરેક ડોગીને દવાઓ આપવાની, ફિઝિયોથેરપી આપવાની, નકલી પ્રોસ્થેટિક કે વ્હીલવાળા પગ લગાવવાની જેવી વ્યવસ્થાઓ કરી છે. કેટલાક ડોગીને તો રોજ ડાઇપર પહેરાવી રાખવા પડે છે અને દિવસમાં ત્રણ-ત્રણ વાર દવાઓ આપવાની હોય છે. આ બધું જ કલેર, તેનો હસબન્ડ અને દીકરી ત્રણેય સાથે મળીને કરે છે. સવારે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી તેમની સરભરામાં જ રહેવું પડે છે પણ કલેરબહેન એમાં જ ખુશ છે. એટલું જ નહીં, તેણે બધા ડોગીઝને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે ખાસ સેલિબ્રિટી જેવું નામકરણ કર્યું છે. કલેરનું કહેવું છે કે કદાચ નામથી તેમને સ્પેશ્યલ નહીં લાગતું હોય, પણ આ બધા મારા માટે બહુ સ્પેશ્યલ છે. કલેરની કાળજીને કારણે હવે માંદલા અને મરવા પડેલા ડોગીઓ પણ હવે હેપી અને હેલ્ધી લાઇફ જીવતા થઇ ગયા છે.

(11:38 am IST)