દેશ-વિદેશ
News of Thursday, 4th February 2021

સોને મઢેલી છે : કિંમત રૂ. ૨૦,૦૦૦

દુબઈની એક રેસ્ટોરેન્ટે વિશ્વની સૌથી મોંઘી બિરયાની લોન્ચ કરી છે

જેની કિંમત એટલી છે કે, એમાં ભારતના એક સામાન્ય પરિવારનું આખા મહિનાનું રાશન-પાણી આવી જાય : આખી ડિશ એકદમ શાહી લાગે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે

દુબઇ,તા. ૪: શોખ મોટી વસ્તુ છે. આ શોખને પુરો કરવા માટે લોકો ગમે એટલા પૈસા ખર્ચ કરતા નથી અચકાતા. પણ તમને વિશ્વાસ થશે કે દુબઈમાં લોકો બિરયાની ખાવા માટે ૨૦ હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે. દુબઈની એક રેસ્ટોરેન્ટે વિશ્વની સૌથી મોંઘી બિરયાની લોન્ચ કરી છે. જેની કિંમત એટલી છે કે, એમાં ભારતના એક સામાન્ય પરિવારનું આખા મહિનાનું રાશન-પાણી આવી જાય. આટલો તો ઘણા લોકોનો પગાર પણ નહીં હોય. જેટલો આ બિરયાનીનો ભાવ છે. અમે તમને જણાવી રહ્યા છે કે આખરે આ બિરયાનીમાં એવું તો શું ખાસ છે...

દુબઈના DIFCમાં આવેલી Bombay Borough નામના રેસ્ટોરેન્ટના માલિકે તેમની પહેલી એનિવર્સરી પર આ બિરયાની લોન્ચ કરી છે. જેમાં ૨૩ કેરેટ સોનાથી સજાવટ કરવામાં આવી છે. બિરયાનીમાં જે થાળી હોય છે તે ખૂબ જ મનમોહક છે. જેમાં ૨૩ કેરેટ સોનામાંથી બનેલા ખાદ્ય વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખી ડિશ એકદમ શાહી લાગે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

દુબઈમાં લોન્ચ થયેલી આ શાહી બિરયાનીની કિંમત લગભગ ૨૦ હજાર રૂપિયા જેટલી છે. જે કોઈ ફાઈવ સ્ટાર હોટેલના શેફની સિગ્નેચર ડિશ કરતા પણ વધારે છે. હવે આટલી મોંઘી બિરયાની એક વ્યકિત તો ન ખાઈ શકે. એટલે રેસ્ટોરન્ટમાં બિરયાની છ લોકો શેર કરી શકે છે. છતા પણ તેની કિંમત એક સામાન્ય ભારતીય માટે તો તેના ઘરની વસ્તુઓના બજેટ કરતા પણ વધારે છે.

બિરયાનીની આ ડિશમાં તમને કશ્મીરી મટન કબાબ, પુરાની દિલ્લી મટન ચોપ્સ, રાજપૂત ચિકનના કબાબ, મુગલઈ કોફ્તા અને મલાઈ ચિકન મળશે. સાથે રાયતું, કરી અને સોસ પણ સર્વ કરવામાં આવશે. તેને કેસર અને ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ૨૩ કેરેટ ગોલ્ડથી સજાવવામાં આવશે.

આ અદ્બૂબ બિરયાનીને બનતા ૪૫ મિનિટ જેટલો સમય લાગશે. ખાસ બનાવવામાં આવેલી વાનગીને મનમોહક રીતે સર્વ પણ કરવામાં આવશે. કયારેક દુબઈ જતા હો અને નોન-વેજના શોખીન હો તો આ ડિશ જરૂર ટ્રાય કરજો.

(10:16 am IST)