દેશ-વિદેશ
News of Thursday, 4th January 2018

કોકપિટમાં પાઇલટ કપલ વચ્ચે થયો ઝઘડો, કમાન્ડરે કો-પાઇલટ પત્નીને તમાચો માર્યો

ડિરેકટરે જનરલ ઓફ સિવિલ એવિયેશને બંને પાઇલટનું લાઇસન્સ સસ્પેન્ડ કરીને તેમની સામે તપાસના આદેશ આપ્યા

લંડન તા. ૪ : નવા વર્ષના દિવસે લંડનથી મુંબઈ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઇટમાં પાઇલટ કપલ વચ્ચે કોકપિટમાં જ ઝઘડો થયો હતો. ફ્લાઇટ દરમ્યાન કમાન્ડર પતિએ કો-પાઇલટની ફરજ બજાવતી પત્નીને થપ્પડ મારી દેતાં તે રડતી-રડતી કોકપિટની બહાર નીકળી ગઈ હતી. સમજાવટ પછી તે ફરી કોકપિટમાં ગઈ હતી, પણ ફરી તે બન્ને વચ્ચે લડાઈ થઈ હતી.

ફરી વાર લડાઈ થતાં ક્રૂના સભ્યો ડરી ગયા હતા અને તેમણે ફરી કો-પાઇલટને અંદર મોકલી હતી અને બન્નેને પ્લેનને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવાની અપીલ કરી હતી. પ્લેન સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર ઊતર્યું હતું. પ્લેનમાં ૩૨૪ પેસેન્જરો હતા.

ડિરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને બન્ને પાઇલટનું લાઇસન્સ સસ્પેન્ડ કરીને તેમની સામે તપાસના આદેશ આપ્યા છે. હાલ આ બન્ને પાઇલટ પ્લેન ઉડાવી નહીં શકે. બન્ને વચ્ચે અમુક ગેરસમજને લીધે આ ઘટના બની હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.જેટ એરવેઝની ફ્લાઇટ 9W119એ ઉડાન ભરતાં જ મારપીટ શરૂ થઈ હતી. નવ કલાકની આ યાત્રા દરમ્યાન ફ્લાઇટમાં ૩૨૪ મુસાફરો અને ૯ ક્રૂ-મેમ્બર્સ હતા. જેટ એરવેઝે આ ઘટનાનું સમર્થન કરતાં કહ્યું હતું કે બન્ને પાઇલટ વચ્ચે ગેરસમજ થઈ ગઈ હતી. જોકે થોડા સમયમાં એ દૂર થઈ ગઈ હતી.

(4:32 pm IST)