દેશ-વિદેશ
News of Friday, 3rd December 2021

નોર્વેના ઓસ્લોમાં ક્રિસમસ પાર્ટી કરવી લોકોને ભારે પડી

નવી દિલ્હી: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને નોર્વેના પાટનગર ઓસ્લોમાં કાળો કેર વર્તાવ્યો છે. ઓસ્લોના એક રેસ્ટોરાંમાં એક નોર્વેજિયન કંપનીની ક્રિસમસ પાર્ટી દ્વારા ઓમિક્રોનનો ચેપ મોટાપાયે ફેલાવાને પગલે ઓસ્લોમાં ઓમિક્રોન વેરિઅન્ટના 50 કરતાં વધારે કેસો નોંધાયા છે અને હજી વધારે કેસો નોંધાવાની ધારણા હોવાનું ઓસ્લોની મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું. નોર્વેજિયન ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોને ચેપ લાગ્યા છે તેઓ ઓસ્લો અને આસપાસના વિસ્તારોમાં આવેલી મ્યુનિસિપાલિટીઓની હદમાં રહે છે. ઓસ્લોની ચેપ શોધક ટીમે સબંધિત મ્યુનિસિપાલિટીઓનો સંપર્ક કરીને તેમને ચેપના ફેલાવા અંગે તપાસ શરૂ કરવા જણાવ્યું છે.

નોર્વેમાં સોમવારે ઓમિક્રોનના પ્રથમ બે કેસ નોંધાયા હતા. હાલ નોર્વેમાં કુલ 50 કરતાં વધારે ઓમિક્રોનના કેસો નોંધાયા છે. બીજી તરફ યુએસમાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ કેલિફોર્નિયામાં નોંધાયો હતો. ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે અમે જાણતાં હતા કે ઓમિક્રોનનો યુએસમાં પહેલો કેસ ગમે ત્યારે નોંધાઇ શકે છે. જે વ્યક્તિને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે તે 22 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. તેને કોરોનાના હળવા લક્ષણો જણાતાં તેનો ટેસ્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ આવ્યો હતો.

(7:06 pm IST)