દેશ-વિદેશ
News of Wednesday, 3rd October 2018

શારીરિક રીતી અક્ષમ પતિને છોડીને જતી રહી પત્ની, પણ બધી જવાબદારી સંભાળીને છ વર્ષની દિકરીએ પિતાને આપી હિંમત

બીજીંગ તા.૩: ચીનના હાઇયુઆન કાઉન્ટીમાં ૩૮ વર્ષનો ટિયાન હાઇચેન્ગ નામના ભાઇની કારનો ચાર વર્ષ પહેલાં અકસ્માત થયો. એમાં તેમનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. હાથનું હલનચલન પણ બરાબર નથી થતું. એવામાં તે સાવ જ પથારીવશ થઇ ગયો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો હતાં. જો કે ટિયાનની આવી લકવાગ્રસ્ત હાલતથી કંટાળીને પત્ની તેને છોડીને જતી રહી. પત્ની પોતાની સાથે નાના દીકરાને લઇ ગઇ અને છ વર્ષની દિકરી અહીં જ રહી ગઇ. સામાન્ય રીતે છ વર્ષની છોકરીની કાળજી માતા-પિતાએ રાખવી પડતી હોય, પણ આ દિકરી શારીરિક રીતે અક્ષમ એવા પિતાનો બધી જ રીતનો સપોર્ટ બની ગઇ. શારીરિક અસહાય અને પત્નીના ચાલી જવાથી ડિપ્રેશનમાં સરી પડેલા ટિયાનને સધિયારો આપ્યો છ વર્ષની દિકરીએ. તેણે ઘરની તમામ જવાબદારી ઉઠાવી લીધી. ખાવાનું બનાવવાનું, પિતાને નિયમિત દવા આપવાનું, પોતાના હાથે પપ્પાને ખવડાવવાનું,પથારી પરથી ઊંચકીને વ્હીલચેરમાં બેસાડવાનું બધું જ કામ તેણે સંભાળી લીધું. જાણે રાતોરાત એક બાળકી મા જેવી જવાબદાર બની ગઇ. દિકરીની પ્રેમ અને પરિશ્રમ જોઇને ટિયાનનું ડિપ્રેશન ચાલી ગયંુ. જો છ વર્ષની દિકરી તેને સાજો કરવા માટે આટલી પરિપકવતા દાખવતી હોય તો તેણે એટ લીસ્ટ દિકરી માટે થઇને પોતાની જાતને સંભાળવાનું શીખી જવું જોઇએ એવું સમજાયું. પોતાની ઠાવકી દિકરી તેના માટે કેટલું બધું કરે છે એ બતાવવા માટે તેણે એક દોસ્તની મદદથી એનો વિડિયો તેૈયાર કર્યો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ચાઇનીઝ સોશ્યલ મીડિયા વીચેટ પર આ વિડિયો ખૂબ વાઇરલ થયો છે અને લોકો છ વર્ષની આ જવાબદાર અને ડહાપણથી ભરપૂર દિકરીનાં વખાણ કરતાં થાકતાં નથી.

(4:07 pm IST)