દેશ-વિદેશ
News of Monday, 3rd May 2021

દુબઇમાં હરાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વિશ્વની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ રૂપિયા ૭૬ કરોડમાં વેચાઇએએ૯ નંબર પ્લેટ માટે રૂ. ૭૬ કરોડ જ્યારે ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ મોબાઇલ નંબર માટે રૂ. ૬ કરોડ ચૂકવાયા

દુબઇ,તા. ૩ : વિશ્વમાં સૌથી મોંઘી નંબર પ્લેટ અંગે અનેક ચર્ચાઓ જોવા મળે છે. ફરી એક વાર આવી જ વિશેષ સિંગલ ડિજિટ નંબર પ્લેટ એએ૯ માટે હરાજી કરવામાં આવી હતી. આ નંબર પ્લેટ ખરીદનારે નવો વિશ્વ વિક્રમ રચ્યો છે. આ નંબર પ્લેટને ૩.૮ કરોડ યુએઇ દિરહમ એટલે કે ૭૬ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

નંબર પ્લેટોની હરાજીના આ કાર્યક્રમમાં આ નંબર પ્લેટ ઉપરાંત અન્ય નંબર પ્લેટોની પણ હરાજી કરવામાં આવી હતી. દુબઇ સ્પોર્ટસ કાઉન્સિલના ચેરમેન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ ગ્લોબલ ઇનિશિએટિવ્સએ દુબઇમાં સડક અને પરિવહન ઓથોરિટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં ૦૫૬ ૯૯૯ ૯૯૯૯ જેવો મોબાઇલ નંબર ૬ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. આ આયોજનમાં હરાજીથી મળેલ રકમનો ઉપયોગ પવિત્ર રમઝાન મહિનામાં ૩૦ દેશોની વ્યકિતઓ અને પરિવારો માટે પાર્સલ સ્વરૂપે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવશે. હરાજી શરૂ થતા જ બે દાનવીરોએ ૫,૫૦,૦૦૦ દિરહમ દાનમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ ફકત ૧૦ જ દિવસમાં ૧,૮૫,૦૦૦ દાતાઓની મદદથી કુલ ૧૦ કરોડ દિરહમ એકત્ર કરવામાં આવ્યા છે.

(10:02 am IST)