દેશ-વિદેશ
News of Friday, 3rd May 2019

અમેરિકામાં પતિએ પત્નીની વાતોથી બચવા બહેરા હોવાનું નાટક કર્યું: ૬૨ વર્ષે ભાંડો ફૂટ્યો

નવી દિલ્હી: આપણે અનેકવાર સાંભળીએ છીએ કે પતિ પત્નીની વાતોથી પરેશાન થઈ જાય અને કહે કે મારી પત્ની ખુબ જ બકબક કરે છે. મન કરે છે કે કાન બંધ કરી નાખુ. પરંતુ અમેરિકાના એક વ્યક્તિએ પત્નીની વાતોથી બચવા માટે એક એવો તરીકો શોધ્યો કે જ્યારે લોકોને આ વિશે ખબર પડી તો દરેક જણ સ્તબ્ધ જ થઈ ગયા. વાત જાણે એમ છે કે 84 વર્ષના બેરી ડોસને તેની 80 વર્ષની પત્ની ડોરોથીની વાતોથી બચવા માટે મૂંગા બહેરા થઈ જવાનું નાટક કર્યું અને ડોરોથીને લગ્નના 62 વર્ષ પછી ખબર પડી કે તેનો પતિ મૂંગો બહેરો છે જ નહીં. મળતી માહિતી મુજબ ડોરોથીને અત્યાર સુધી માત્ર એ જ ખબર હતી કે તેનો પતિ વાત કરી શકતો નથી કે સાંભળી શકતો નથી. 62 વર્ષ સુધી તેણે પતિનો અવાજ જ ન સાંભળ્યો. પરંતુ અચાનક તેને ખબર પડી કે પતિ તો મૂંગો બહેરો છે જ નહીં.

ડોરોથીએ જણાવ્યું કે તેને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે તેણે યુ ટ્યુબ પર પતિને ગાતા જોયા. આ વીડિયો એ દિવસોનો હતો કે જ્યારે તે પત્નીને એવું કહીને ગયા હતાં કે તેઓ એક ચેરિટી મીટિંગ એટેન્ડ કરવા જઈ રહ્યાં છે. ડોરોથીના જણાવ્યાં મુજબ તેમણે જ્યારે પતિને યુટ્યુબ પર ગાતા જોયા તો પહેલા તો વિશ્વાસ જ ન આવ્યો. પરંતુ ત્યારબાદ માલુમ પડ્યું કે તેઓ અત્યાર સુધી મૂંગા બહેરાનું નાટક કરી રહ્યાં હતાં. હકીકતમાં તો તેઓ સારી રીતે બોલી ચાલી શકે છે અને સાંભળી શકે છે.

અત્રે જણાવવાનું કે ટ્વિટર પર આ પોસ્ટને મહિન્દ્રા ગ્રુપના ચેરમેને આનંદ મહિન્દ્રાએ પણ શેર કરી છે. જેને શેર કરતા તેમણે લખ્યું કે આ આર્ટિકલ વાંચ્યા બાદ હું 5 મિનિટ સુધી મારું હાસ્ય રોકી શક્યો નહીં. મેં મારી પત્નીને કહ્યું કે કાશ હું પણ તને બેવકૂફ બનાવી શકત. તો મારી પત્નીએ કહ્યું કે શું તમે 5 મિનિટ પણ ફોન પર વાત કર્યાં વગર રહી શકો છો? જેના પર મહિન્દ્રાએ કહ્યું કે સ્માર્ટ પત્ની હોવાનું આ નુકસાન છે. અત્રે જણાવવાનું કે આનંદ મહિન્દ્રાએ આ પોસ્ટને શેર કરી છે જેને 18000થી વધુ લાઈક્સ મળી છે અને અનેક ફની કોમેન્ટ્સ પણ આવી છે.

(4:49 pm IST)