દેશ-વિદેશ
News of Wednesday, 2nd December 2020

કોરોના મહામારી દરમ્યાન પુરુષો કરતા મહિલાઓએ આર્થિક,માનસિક તાણ અનુભવી હોવાનો બ્રિટનના સંશોધકોનું તારણ

નવી દિલ્હી: બ્રિટનના રિસર્ચ ગ્રૂપ ધ વેલ્ધિયર નેટવર્કના તાજેતરના સંશોધન અનુસાર કોરોનાની મહામારી દરમિયાન પુરુષો કરતાં મહિલાઓએ કેરિયર, આર્થિક સ્થિતિ અને માનસિક આરોગ્યના મામલે વધુ સહન કરવાનો વારો આવ્યો છે. જેના કારણે મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને તેમને નિવૃત્તિ માટેની યોજના બદલવી પડી છે. આ સંશોધનમાં ૨,૨૩૯ વ્યક્તિઓને સવાલો પૂછવામાં આવ્યા હતા. કારકિર્દીના મામલે સ્ત્રી અને પુરુષો વચ્ચેનું અંતર વધ્યું છે. સાથે જ કામના સ્થળે સ્ત્રીઓ ૩૦ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે. દુનિયાભરમાં મહિલાઓની આર્થિક પ્રગતિની હિમાયત કરતાં ધ વેલ્ધિયર નેટવર્કના અહેવાલમાં જણાવાયું હતું કે, કોરોનાની કટોકટીની અસર અભૂતપૂર્વ છે. મહિલાઓને થયેલા નુકસાનની અસરો વર્ષો સુધી રહી શકે છે. ૩માંથી ૨ મહિલાઓએ આ સંશોધનમાં જણાવ્યું હતું કે, આ મહામારીના કારણે તેઓ ખૂબ જ સમજીવિચારીને રૂપિયા ખર્ચે છે. જેથી વધારેમાં વધારે બચત કરી શકાય. ૧૦માંથી ૬ મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના આર્થિક લક્ષ્યાંકો પર અસર થઈ છે. જેના લીધે સ્વાભાવિક રીતે તેમણે નિવૃત્તિ માટેના તેમના પ્લાન બદલવા ઔપડયા છે.

(5:55 pm IST)