દેશ-વિદેશ
News of Wednesday, 2nd December 2020

પેન્ડેમિક દરમ્યાન ઘરમાં ખોલી ખાસ ખિસકોલી અને ઉંદર માટેની રેસ્ટોરાં

ખિસકોલી કે ઉંદરને ખાવાનું આપવા માટે તેણે ટેબલ પર થોડી અખરોટ અને નટસના ટુકડા પાથરી દીધા

ન્યુયોર્ક, તા.૨: જયોર્જિયામાં રહેતી એન્જેલા હેન્સબર્ગર નામની ૫૦ વર્ષની મહિલા ફૂડ એન્ડ બેવરેજિસ રાઇટર તરીકે કામ કરતી હતી. જોકે કોરોનાને કારણે આવેલા લોકડાઉનમાં તેના કામ પર બ્રેક લાગી ગઈ, પણ એપ્રિલ મહિનામાં તેને આ ફૂડ અને બેવરેજિસ ઇન્ડસ્ટ્રી સાથે જ સંકળાયેલો અનોખો નુસખો હાથ લાગી ગયો. તેના કાકાએ એન્જેલાને લાકડાનું નાનું ડાઇનિંગ ટેબલ આપ્યું. આ ડાઇનિંગ ટેબલ એકદમ મિનિવેચર સાઇઝનું હતું જે એક શોપીસથી ઝાઝું નહોતું. ઘરમાં વાવેલા છોડ પર ડેકોરેશન માટે મૂકી શકાય એવા આ ટેબલને તેણે પ્લાન્ટમાં મૂકવાને બદલે ઘરની ઓસરીમાં ચોક્કસ જગ્યાએ ગોઠવી દીધું.

આ ખિસકોલી કે ઉંદરને ખાવાનું આપવા માટે તેણે ટેબલ પર થોડી અખરોટ અને નટ્સના ટુકડા પાથરી દીધા. થોડી જ વારમાં ખાવાનું સૂંઘીને એક ખિસકોલી ત્યાં આવી અને પડેલું ખાવા માંડી. એન્જેલાનું કહેવું છે કે આ નટ્સ તેને માટે જ હતા, પણ જે રીતે ખિસકોલીએ બેન્ચ પર બેસીને ટેબલ પર પડેલું ખાવાનું ખાધું એ જોઈને નવાઈ લાગી. તેણે થોડું વધુ ખાવાનું મૂકયું. પેટ ભરીને ખાધા પછી ખિસકોલી ત્યાંથી જતી રહી. એન્જેલાએ બીજું થોડું ખાવાનું મૂકયું અને ત્યાં એક ઉંદરમામા આવીને જાણે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય એવી નિરાંતથી ખાવા માંડ્યા.

શરૂઆતમાં એન્જેલાએ આ બધું માણવા ખાતર રોજ ખોરાક મૂકવાનું શરૂ કર્યું અને એના ફોટો પણ પાડ્યા, પણ પછી તો આ સિલસિલો બની ગયો. એન્જેલાએ બીજાં બે-ત્રણ આવાં જ ટેબલ લાવીને ઘરની ઓસરીમાં લગાવી દીધાં. હવે ખિસકોલી અને ઉંદર ત્યાં જાણે રેસ્ટોરાં હોય એમ આવીને બેસે છે અને ખાવાનું ખાઈને જતાં રહે છે.

(9:33 am IST)