દેશ-વિદેશ
News of Monday, 2nd November 2020

વાવાઝોડામાં ઝાડને થયું હતું મોટું નુકસાનઃ કલાકારે બનાવી નાખ્યું આવું સ્કલ્પચર

દુનિયામાં એવા એવા કલાકારો અને ભેજા પડ્યા છે જેમને કચરામાંથી પણ ક્રિએટિવિટી કરવાનું સુઝી આવે છે

 લંડન,તા.૨ : દુનિયામાં એવા એવા કલાકારો અને ભેજા પડ્યા છે. જેમને કચરામાંથી પણ ક્રિએટિવિટી કરવાનું સુઝી આવે છે. કોઈ લાકડાના છોલમાંથી કંઈક બનાવી કાઢે છે તો કોઈ ખાલી થઈ ગયેલી દીવાસળીની પેટીમાંથી અવનવુ બનાવે છે. એટલું જ નહીં સિલાઈ કરવાના દોરા જે કોકડીમાં વીંટાઈને આવે છે એના ખાલી રાઉન્ડ બોકસમાંથી પણ લોકો ઉપયોગી અને આકર્ષક વસ્તુ બનાવી દે છે.

 યુકેના નોર્થ વેલ્સના Simon O’Rourke એક અનોખા અને અદભૂત આર્ટિસ્ટ છે. જે નારીની મૂર્તિઓ બનાવવામાં માહિર છે. સાયમનનું સોશિયલ મીડિયા પેજ અને વેબપેજ એના શ્રેષ્ઠ કામ તથા કલા-કારીગીરીની સાક્ષી પૂરે છે. એનું કામ જોઈને લોકો ચોંકી ઊઠે છે. વૃક્ષ નાનું હોય કે મોટું પણ એમાં કરવામાં આવતી ક્રિએટિવિટી વિશાળ હોય છે. આંખને આકર્ષિત કરી દે છે. જયારે તેણે એક ૫૦ ફૂટ ઊંચા ક્ષતિગ્રસ્ત વૃક્ષમાં નવા પ્રાણ રેડી દીધા હતા ત્યારે લોકો આ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. તેણે પોતાના આવા કામની અનેક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને જોઈને દરેક વ્યકિત કહી ઉઠશે કે, વાહ. આવી કૃતિ જોનારને જલસો પડી જાય પણ એ માટે અથાક મહેનત કરવી પડે છે.

 વૃક્ષને ડિઝાઈન કરવા માટે સાયમને એક ટેન્ડર ભર્યું હતું. જેમાં જીત થતા તેણે પોતાનું કામ શરૂ કર્યું હતું. પોતાનું કામ શરૂ કરતા પહેલા તેણે ઘણુ રીસર્ચ કર્યું છે. જેમાંથી એ જાણવા મળ્યું કે, કયા વિસ્તારમાં આટલા વૃક્ષો આવેલા છે. બીજા બધા વૃક્ષો કરતા આ વૃક્ષ સૌથી મોટું હતું. પછી તેણે નિર્ણય કર્યો કે, આ વૃક્ષમાં તે હાથની કૃતિ તૈયાર કરશે. આ ઉપરાંત કલાકાર ખાસ પ્રકારના ઓર્ડર ઉપર પણ કામ કરે છે. જો કોઈ ભારતીયને આવી કૃતિ તૈયાર કરાવી હોય તો આશરે રૂ.૮,૯૪૦૦૦નો ખર્ચો કરવો પડશે.

 તેણે નાના વૃક્ષમાં મગરમચ્છ, સુકાઈ ગયેલા વૃક્ષની ડાળીમાં નારીની કૃતિ, પંખી, ડ્રેગન તથા લેડી ફિંગરની કૃતિઓ તૈયાર કરી છે. પોતાના કામની આ તસવીર શેર કરતા સાયમને લખ્યું હતું કે, વર્ષ ૨૦૧૧માં મેં વેલ્સના તોફાનમાં નુકસાન પામેલા સૌથી ઊંચા વૃક્ષમાં હાથની કૃતિ તૈયાર કરી હતી. વૃક્ષને ભારે નુકસાન થતા તે માત્ર ૫૦ ફૂટ સુધી જ બચ્યું હતું. જેમાં સાયમને પોતાની ક્રિએટિવિટી ઊમેરી વિશાળ પંજામાં પરિવર્તન કર્યું.

 આ હાથની કૃતિથી તે કહેવા માગે છે કે, કેવી રીતે એક વૃક્ષ આકાશ સુધી પહોંચવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ એને અઢળક પ્રતિસાદ આપી રહ્યા છે. એની અવનવી કૃતિના વખાણ કરી રહ્યા છે. આ સમગ્ર આર્ટવર્કને ટ્રી કાર્વિંગ કહેવામાં આવે છે.

(10:21 am IST)