દેશ-વિદેશ
News of Friday, 2nd July 2021

આ છે વિશ્વના સૌથી વૃધ્ધ પુરૂષ : ઉંમર ૧૧૨ વર્ષની છે

લોકોને પ્રેમ કરવો અને નફરત ન કરવી તે મારા લાંબા આયુષ્યનું રહસ્ય : ફલોરેઝ માર્કેઝ

ન્યુયોર્ક તા. ૨ : પ્યુર્ટો રિકોના એક વૃદ્ઘને સત્તાવાર રીતે વિશ્વના જીવંત હોય તેવા સૌથી વૃદ્ઘ પુરૂષ જાહેર કરાયા છે. શેરડીની ખેતી કરતા ભૂતપૂર્વ ખેડુત એવા આ વૃદ્ઘની ઉંમર ૧૧૨ વર્ષની છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેમને સત્તાવાર રીતે વિશ્વના હાલમાં જીવતા હોય તેવા સૌથી વયસ્ક પુરૂષ જાહેર કર્યા છે.

એમિલિયો ફલોરેસ માર્કેઝનો જન્મ ૮ ઓગસ્ટ ૧૯૦૮માં કેરોલિનામાં થયો હતો. તેમણે કહ્યું છે કે લોકોને પ્રેમ આપવો અને નફરત ન કરવાના કારણે તેઓ લાંબુ જીવી શકયા છે. બુધવાર સુધી ફલોરેસની હાલની ઉંમર ૧૧૨ વર્ષ અને ૩૨૬ દિવસ છે. તેમણે કહ્યું હતું કે મારા પિતાએ મને પ્રેમથી ઉછેર્યો હતો અને બધા લોકોને પ્રેમ કરતા શીખવ્યું હતું.

અગાઉ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા જીવંત સૌથી વયસ્ક પુરૂષનું પ્રમાણપત્ર રોમાનિયાના ડુમિત્રુ કોમાનેસ્કુને આપવામાં આવ્યો હતો. જોકે, ગત વર્ષે ૨૭ જૂને તેમનું નિધન થયું હતું. ત્યારે તેમની ઉંમર ૧૧૧ વર્ષ અને ૨૧૯ દિલસ હતી.

જોકે, વિશ્વના જીવંત સૌથી વયસ્ક વ્યકિતનો રેકોર્ડ જાપાનના વૃદ્ઘા કેન તાનાકાના નામે છે. ૨ જાન્યુઆરી ૧૯૦૩એ જન્મેલા તાનાકાની ઉંમર ૧૧૭ વર્ષ અને ૪૧ દિવસ છે.

ફલોરેસ માર્કેઝ આલ્બર્ટો ફલોરેસ મેલેન્ડેઝ અને માર્ગારિટા માર્કેઝ ગાર્સિયાના ૧૧ બાળકોમાં સૌથી મોટા હતા. તેઓ પોતાના પિતા સાથે પરિવારના શેરડીના ખેતરમાં કામ કરતા હતા. તેઓ શેરડીના પાકને પાણી પીવડાવવાની તથા તેને કાર્ડમાં ભરવાની જવાબદારી સંભાળતા હતા.

તેમણે કહ્યું હતું કે ખેતીમાં મદદ કરવા ઉપરાંત તેઓ ઘરના કામ પણ કરતા હતા અને પોતાના નવ ભાઈ-બહેનોની સંભાળવાનું કામ પણ કરતા હતા. તેમણે કહ્યું હતું કે, હું મારા તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો તેથી બધુ મારે જ કરવું પડતું હતું.

ફલોરેસ માર્કેઝે એન્ડ્રીયા પેરેઝ સાથે લગ્ન કર્યા હતા અને તેમને ચાર બાળકો છે. ૨૦૧૦માં તેમની પત્નીનું નિધન થયું હતું. ૧૦૧ વર્ષની વયે ફલોરેસ માર્કેઝની સર્જરી કરવામાં આવી હતી અને તેમનામાં પેસમેકર મૂકવામાં આવ્યું હતું. તેઓ હાલમાં સ્વસ્થ છે પરંતુ તેમની સાંભળવાની શકિત જતી રહી છે. તેમને હાલમાં પાંચ પૌત્ર-પૌત્રીઓ અને પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે.

(10:09 am IST)