દેશ-વિદેશ
News of Wednesday, 2nd January 2019

રશિયામાં કડકડતી ઠંડીમાં ગેસ બ્લાસ્ટમાં અેપાર્ટમેન્ટ ધરાશાયીઃ ૧૧ મહિનાના બાળકને કાટમાળમાંથી જીવતુ બહાર કઢાયુ

રશિયાના શહેર માગ્નિતોગોર્સ્કમાં આજકાલ દિવસે તાપમાન શૂન્યથી માઈનસ 17 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય છે. થીજાવી દેતી આ ઠંડીમાં 11 મહિનાનું એક બાળક કાટમાળ નીચે દબાયેલું મળ્યું. માહિતી પ્રમાણે, સોમવારે શહેરમાં થયેલા ગેસ બ્લાસ્ટમાં એક અપાર્ટમેન્ટ-કોમ્પ્લેક્સ પડી ગયું. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન રેસ્ક્યૂ ટીમને 11 મહિનાનું એક બાળક કાટમાળ નીચે દટાયેલું મળ્યું, નસીબજોગે તેના શ્વાસ ચાલતા હતા.

રડવાનો અવાજ સાંભળી પહોંચ્યા

રિપોર્ટ્સ પ્રમાણે, રેસ્ક્યૂ ટીમે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને તેને શોધવાનું શરૂ કર્યું. રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત બહાર કાઢેલા બાળકનું નામ ઈવાન છે. ઈવાનની હાલત ગંભીર છે. સારવાર માટે ઈવાનને મોસ્કો મોકલવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે, બાળક લગભગ 36 કલાક સુધી કાટમાળમાં દટાયેલું રહ્યું.

માસૂમ ગંભીર રીતે ઘાયલ

આ દુર્ઘટનામાં નાનકડો ઈવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે કાટમાળ નીચેથી તેને બહાર કાઢ્યો ત્યારે તે ફ્રોસ્ટ-બાઈટ (ઠંડી લાગવાથી સુન્ન થઈ જવું)નો શિકાર થયો છે. એટલું જ નહીં તેને માથામાં પણ વાગ્યું છે. હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. રશિયાની ઈમરજન્સી સિચ્યુએશન મિનિસ્ટ્રીના મતે બાળકની મા સુરક્ષિત છે અને પોતાના દીકરાને મળવા હોસ્પિટલ દોડી ગઈ છે.

36 લોકો હજુ ગુમ

સોમવારે મોડી રાત્રે થયેલા ગેસ ધમાકામાં એક અપાર્ટમેન્ટનું કોમ્પ્લેક્સ ધરાશાયી થયું જેમાં કુલ 120 લોકો રહેતા હતા. મોસ્કોથી લગભગ 1695 કિમી દૂર આવેલા મેગ્નીતોગોર્સ્ક શહેરમાં થયેલી દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. રેસ્ક્યૂ ટીમે 8 મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યા છે અને હજુ 36 લોકો ગુમ છે.

Video Link: https://youtu.be/JeaplHQfci8

(5:08 pm IST)