દેશ-વિદેશ
News of Wednesday, 1st December 2021

આફ્રિકાના ખંડમાં ગેંડાને શિકારીઓથી બચાવવા માટે કરવામાં આવ્યો આ ઉપાય

નવી દિલ્હી: આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં ગેંડા રહે છે અને તેના શિંગ માટે સતત શિકાર થતો રહે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા દુર્લભ સધર્ન વ્હાઈટ રાઈનોનો શિકાર ન થાય એટલે નવો ઉપાય અજમાવાયો. અહીંથી 30 ગેંડાને બોઈંગ-747 વિમાનમાં બેસાડી રવાન્ડા શિફ્ટ કરી દેવાયા. કોઈ પણ પ્રાણીની આ સૌથી મોટી હવાઈ હેરા-ફેરી હતી. એકાદ-બે સજીવોને વિમાનમાં લઈ જવાતા હોય એવા ઘણા કિસ્સા નોંધાતા રહે છે. પરંતુ એક જ પ્રજાતિના 30 સજીવોને પાંખો આપીને પરદેશ મોકલાયાનો આ પહેલો પ્રસંગ હતો. રવાન્ડાના જંગલો પણ દક્ષિણ આફ્રિકા જેવા જ છે, માટે ગેંડાને ખાસ વાંધો આવે એમ નથી. વિવિધ દેશોના જંગલમાં સધર્ન વ્હાઈટ રાઈનોની કુલ સંખ્યા હવે 20 હજારથી વધારે નથી. સધર્ન વ્હાઈટની જેમ નોર્ધન વ્હાઈટ રાઈનો પણ છે. પરંતુ તેમનો એટલો બધો શિકાર થયો કે આખા જગતમાં માત્ર બે માદા જ બચી છે. માત્ર બે માદા હોવાથી હવે તેનો વંશ ખતમ થયો સમજી લેવાનો. એવુ બીજી પ્રજાતિના ગેંડાના કિસ્સામાં ન થાય એટલે આવી તકેદારી લેવાઈ રહી છે.

આ પ્રકારની હેરાફેરી પ્રાણીશાસ્ત્રીઓ અને વિમાન સંચાલકો બન્ને માટે પડકારજનક હતી. કેમ કે દરેક ગેંડાનું વજન સરેરાશ 2 ટન હોય છે. એવા 30 ગેંડાને લઈને 3400 કિલોમીટરની લાંબી સફર કરવાની હતી. એ ઉપરાંત બીજી સમસ્યા એ થાય કે ગેંડાઓને આવી સફરનો અનુભવ ન હોય. તેના માનસ પર તેની વિપરિત અસર થઈ શકે. માટે બધાને બેભાન કરી દેવાયા હતા. રવાન્ડા પહોંચાડ્યા પછી તેમને ભાનમાં લાવીને થોડા દિવસો પછી નક્કી થયેલા જંગલ વિસ્તારમાં સ્થળાંતરીત કરી દેવાશે. યુરોપિયનો જ્યારે આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં ઝંડા ખોડવા લાગ્યા ત્યારે તેમણે પોતાના શોખ માટે શિકારની શરૃઆત કરી હતી. યુરોપિયનોના ગયા પછી એ કામગીરી શિકારીઓએ ઉપાડી લીધી છે. તેનાથી બચાવવા માટે હવે આવા ઉપાયો અજમાવવા પડે છે.

 

(6:00 pm IST)