દેશ-વિદેશ
News of Friday, 1st December 2017

મેટલની એલર્જીને લીધે બલૂનની જેમ ફૂટ્યા સિઝેરિયનના ટાંકા

લંડન તા.૧: બ્રિટનમાં લ્યુટન એન્ડ ડન્સ્ટેબલ યુનિવર્સિટી હોસ્પિટલમાં પહેલી નવેમ્બરે રેલુકા નામની ૩૨ વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. સિઝેરિયન દ્વારા ડિલિવરી થઇ હોવાથી ડોકટરે તેના પેટ પર સ્ટેપલર દ્વારા ટાંકા લીધા હતા. સામાન્ય રીતે ટાંકા પંદર-વીસ દિવસમાં રૂઝાઇ જતા હોય છે, પરંતુ રેલુકાના કેસમાં ટાંકા કેમેય હીલ નહોતા થઇ રહ્યા. એની આસપાસ સોજો અને લાલાશ આવી ગયેલાં. ગયા વીકમાં તે ડોકટરને બતાવવા ગઇ તો એક રાત હોસ્પિટલમાં રાખીને તેને સારૃં થઇ જશે એમ કહીને ઘરે મોકલી દેવામાં આવી. જોકે એ જસાંજે તેને ટાંકા તુટી રહ્યા હોય એવું ફીલ થતું હતું અને સાથે પેટમાં જબરદસ્ત તકલીફ થતી હતી. તેણે પોતાની મમ્મીને ટાંકા બરાબર છે કે કેમ એ જોવા કહ્યું. જોકે જેવું તેની મમ્મીએ કપડાનું આવરણ હટાવ્યું એટલે જોરદાર અવાજ સાથે શરીરમાંથી પાણી અને લોહીનો ફુવારો ફાટી નીકળ્યો. ફુવારો એટલો તીવ્ર હતો કે ઘરની છત સુધી લોહીના છાંટા ઊડ્યા. લગભગ ૬૦૦ મિલીલીટર જેટલું લાઇટ પિન્ક પાણી અને લોહી નીકળી ગયું. તરત જ તેને ઇમર્જન્સી કેર યુનિટમાં લઇ જવામાં આવી. તેની મમ્મી ડોકટરોને વાત કરી રહી હતી એ દરમ્યાન બીજી વાર લોહીમિશ્રિત પ્રવાહી ટાંકામાંથી ફુટી નીકળ્યું. આખરે ડોકટરોને ખબર પડી કે મેટલની આ દરદીને એલર્જી છે એટલે ટાંકા કાઢી લીધા અને પેટમાં થયેલા ઇન્ફેકશનને સૂકવવાની તાત્કાલિક સારવાર શરૂ કરી.

(12:50 pm IST)