દેશ-વિદેશ
News of Saturday, 1st October 2022

કાબુલમાં થયેલ આતંકવાદી હુમલામાં મ્રુતકઆંક વધીને 30એ પહોંચ્યો

નવી દિલ્હી:  અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા પર કબજો કર્યા બાદ શિયા મુસ્લિમો પર આતંકી હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આતંકીઓ વિદ્યાર્થીઓ, બાળકોને પણ નિશાન બનાવવા લાગ્યા છે.  રાજધાની કાબુલમાં શિયા મુસ્લિમોના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક પરીક્ષા કેન્દ્ર પર એકઠા થયા હતા,  તેઓ પરીક્ષાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યારે અચાનક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થી માર્યા ગયાના અહેવાલો છે. જોકે સત્તાવાર રીતે દાવો કરવામાં આવ્યો છે કે ૩૦ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ કાબુલમાં માતમનો માહોલ છે,  માર્યા ગયેલા આ વિદ્યાર્થીઓમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનના પોલીસ પ્રવકતા ખાલીદ જીદરાએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ શૈક્ષણિક કેન્દ્ર ઉપર એક આત્મઘાતી હુમલાખોરે હુમલો કરતાં દુર્ભાગ્યે ૫૦ લોકો માર્યા ગયા હતા. અને અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. ઘાયલોની સ્થિતિ ગંભીર અને વધુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ગત વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાન પાસે સત્તા પાછી આવી અને બે દાયકા સુધી ચાલતું યુદ્ધ સમાપ્ત થઈ ગયું. હિંસામાં પણ ઘટાડો થયો પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી કટ્ટરપંથીઓએ સલામતી અસ્ત વ્યસ્ત કરી નાંખી છે. કાબુલમાં થયેલા વિસ્ફોટમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓ છે.

(5:02 pm IST)