Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયાને આંચકો આપી 'આ' સંધિમાંથી બહાર થશે: રશિયાઅે સંધિનો ભંગ કર્યાનો આક્ષેપ

 

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી કે તેમનો દેશ મધ્યમ અંતર પરમાણુ શક્તિ (આઈએનએફ) સંધિમાંથી છૂટો પડી જશે. આ સંધિ પર કોલ્ડ વોર દરમિયાન રશિયા સાથે હસ્તાક્ષર કરાયા હતાં. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે રશિયાએ સંધિનો 'ભંગ' કર્યો.

ટ્રમ્પે નેવાદામાં શનિવારે પત્રકારોને જણાવ્યું કે અમે સંધિ ખતમ કરવા જઈ રહ્યાં છીએ અને અમે આ સંધિમાંથી છૂટા પડી રહ્યાં છીએ. ટ્રમ્પને એ અહેવાલો અંગે પૂછવામાં આવ્યું હતું કે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન ઈચ્છે છે કે અમેરિકા ત્રણ દાયકા જૂની સંધિથી અલગ થઈ જાય. તેમણે કહ્યું કે 'અમારે તે હથિયારોને બનાવવા પડશે'.

વર્ષ 1987માં અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને તેમના તત્કાલિન યુએસએસઆર સમકક્ષ મિખાઈલ ગોર્વાચોવે મધ્યમ અંતર અને ટૂંકા અંતરની મિસાઈલોનું નિર્માણ નહીં કરવા માટે આઈએનએફ સંધિ પર હસ્તાક્ષર કરાયા હતાં. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે 'જ્યાં સુધી રશિયા અને ચીન એક નવા કરાર પર સહમત ન થઈ જાય ત્યાં સુધી અમે સંધિ ખતમ કરવા જઈ રહ્યાં છીએ અને ફરીથી હથિયારો બનાવવા જઈ રહ્યાં છીએ.'

ટ્રમ્પે આરોપ લગાવ્યો કે 'રશિયાએ સંધિનો ભંગ કર્યો'. તે અનેક વર્ષોથી તેનો ભંગ કરતું આવ્યું છે. તેમણે કહ્યું કે અમે તેમને પરમાણુ સંધિનો ભંગ કરવા અને હથિયારો બનાવવા દેતા નથી અને અમને પણ તે પરવાનગી નથી. ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી રશિયા અને ચીન અમારી પાસે ન આવે અને એવું ન કહે કે ચાલો આપણામાંથી કોઈ તે હથિયારો ન બનાવે ત્યાં સુધી અમે તે હથિયારો બનાવીશું પરંતુ જો રશિયા અને ચીન આમ કરી રહ્યાં હોય અને અમે સંધિનું પાલન કરતા રહીએ તો તે અસ્વીકાર્ય છે.

તેમણે કહ્યું કે જ્યાં સુધી બીજા દેશો તેનો ભંગ કરતા રહેશે ત્યાં સુધી અમેરિકા આ સંધિનું પાલન કરશે નહીં. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેમના પૂર્વવર્તી બરાક ઓબામાએ આ અંગે ચૂપ્પી સાધી રાખી. તેમણે કહ્યું કે મને નથી ખબર કે રાષ્ટ્રપતિ ઓબામાએ વાતચીત કરવાની કે બહાર નીકળવાની કોશિશ નથી કરી.

(3:35 pm IST)