Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પ્રસંગ અનુસાર કરો યોગ્ય સાડીની પસંદગી

મહિલાઓ માટે સાડીનું ભારતીય સંસ્કૃતિ સાથેનું જોડાણ ગણવામાં આવે છે. તેથી પહેલાના જમાનામાં છોકરીઓ પણ સાડી પહેરવાનું પસંદ કરતી હતી. આજના વિચાર અને પહેરવેશમાં સંર્પૂણ બદલાવ આવી ગયો છે. હવે છોકરીઓ બોલ્ડ લુક મેળવવા માટે સાડી પહેરી રહી છે. જો સાડી યોગ્ય રીતે પહેરવામાં આવે તો તે ગ્લેમરસ લુક આપે છે. તો જાણી લો કે સાડી કેવી રીતે પહેરવી જોઈએ.

પ્રસંગ અનુસાર સાડી પહેરો

જ્યારે પણ સાડી પહેરવી હોય તો પહેલા વાત જરૂર ધ્યાનમાં લેવી કે તમે કયાં જઈ રહ્યા છો. એવુ ન થાય કે તમારૂ કુટુંબનું સ્નેહમિલન હોય અને તમે ચણીયા ચોલી અથવા ભારે સાડી પહેરો. તેથી હંમેશા એવી સાડીની પસંદગી કરો જે માહોલની સાથે તમારા પર સુંદર લાગે.

એમ્બ્રોડરી

સૌથી પહેલા તો આપણે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે આપણે કયા પ્રસંગ માટે તૈયાર થવાનું છે. જો લગ્ન પ્રસંગ માટે તૈયાર થવાનું છે તો તમે ભારે સાડીની પસંદગી કરી શકો છો. આજકાલ એમ્બ્રોડરી સાડીની ફેશન છે. પરંતુ, જો તમે કોઈ પણ બર્થ ડે પાર્ટીમાં અથવા ફેમિલી મિટ (સ્નેહ મિલન)માં જઈ રહ્યા છો તો હળવી સાડી, પ્રિન્ટેડ સિલ્ક, કોટન, શિફોન અથવા જોર્જેટની  પસંદગી કરી શકો છો.

સ્ટાઈલીશ બ્લાઉઝ 

જો સાડી સાથે આજકાલની ફેશનના બ્લાઉઝ હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. બ્લાઉઝ ન વધારે ફીટીંગ હોવુ જોઈએ કે ન વધારે લુઝ હોવુ જોઈએ. નહિંતર તે તમારી સુંદરતાને અવરોધરૂપ બની શકે છે.

જ્વેલરી

પ્રસંગ અને સાડી અનુસાર જ્વેલરીની પસંદગી કરો. ભારે સાડી પર જ્વેલરી સારી લાગે છે. પરંતુ, જો શિફોનની સાડી પર ભારે જ્વેલરી પહેરશો તો તે સારી લાગશે નહિં અને તમારા લુકને પણ ખરાબ કરી દેશે.

પાતળી મહિલાઓ માટે

જો તમારૂ શરીર પાતળુ છે તો તમે લગ્ન પ્રસંગે ભારે કાંજીવરમની સાડી પહેરી શકો છો. આ પ્રકારની સાડીઓ તમારા પર ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ, તમારી હાઈટ ઓછી છે, તો પાતળી બોર્ડરવાળી અથવા બોર્ડર વગરની સાડી પહેરો. ચોલી જેવી સાડી પણ ખૂબ જ સુંદર લાગે છે.

વધારે વજનવાળી મહિલાઓ માટે 

કોટન, ઓરયેંજા અને ભારે સાડીઓને એવોઈડ કરો. તમે જોર્જેટ અને શિફોનની સાડીઓમાં પાતળા લાગશો. પ્લસ સાઈઝ ફીગરની મહિલાઓને ઘાટા રંગની સાડીઓની જ પસંદગી કરવી જોઈએ. સાડીની પસંદગીની સાથે સાડી પહેરવાની રીત પણ મહત્વની છે. તેથી સાડી વ્યવસ્થિત રીતે પિનઅપ  કરવી.

(11:57 am IST)