Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મક્કામાં કાર ચાલકે મસ્જિદના દરવાજાને જોરદાર ટક્કર મારી

સાઉદી અરબની મક્કાની મસ્જિદ બહાર અકસ્માત : કાર ચાલક માનસિક અસ્થિર, ઘટનાનો વીડિયો વાયરલ

મક્કા ,તા.૩૧ : સાઉદી અરબની મક્કાની જાણીતી મસ્જિદના બહારના દરવાજે એક દુર્ઘટના ઘટી હતી. આજે મોડી રાત્રે એક વ્યક્તિએ પુરપાટ ઝડપે કાર ચલાવીને મોટી મસ્જિદ અલ-હરમના બહારના દરવાજે ધડાકાભેર અથડાવી હતી. ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. અધિકારીઓએ તુરંત વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. વ્યક્તિની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે ઘટના શુક્રવારે રાત્રે આશરે ૧૦:૨૫ વાગ્યે બની હતી. એક વ્યક્તિએ પહેલા પોતાની કારથી ગોઠવવામાં આવેલા બેરિકેટ્સને ટક્કર મારી હતી. બાદમાં કાર ચાલકે મોટી મસ્જિદના દક્ષિણ સ્થિત ગેટ  નંબર ૮૯ પર ટક્કર મારી દીધી હતી. એજન્સી પ્રમાણે અધિકારીઓએ કારમાં સવાર વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી. વ્યક્તિની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સુરક્ષા જવાનો નુકસાનગ્રસ્ત થયેલી કારને ઘટના સ્થળ પરથી હટાવી રહ્યા છે. કોરોના વાયરસને કારણે બંધ રાખવામાં આવેલી મસ્જિદને તાજેતરમાં ખોલવામાં આવી હતી. ફૈઝલ નામના એક વ્યક્તિએ અંગેનો વીડિયો ટ્વીટર પર અપલોડ કર્યો છે. વીડિયોમાં એક કાર પૂર ઝડપે જતી નજરે પડી રહી છે. કારે મસ્જિદ અલ-હરમના ગેટ નંબર ૮૯ પર જોરથી ટક્કર મારી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, કારની ટક્કર બાદ લોકો મસ્જિદના ગેટ તરફ દોડે છે. અહીં હાજર લોકોએ કારમાં સવાર વ્યક્તિને પકડી લીધો હતો. તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી.

(7:11 pm IST)