Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઘરમાં રહેલા છોડ હવાના શુધ્ધિકરણમાં બને છે મદદરૂપ કેન્સર ઉત્પન્ન કરતા પદાર્થોને દુર કરે છે

છોડવાઓ માનવજીવનનું અવિભાજીત અંગ છે. ફોટોસીન્થેસીસ પ્રક્રિયા દ્વારા તે કાર્બન ડાયોકસાઇડને ઓકિસજનમાં પરિવર્તીત કરે છે અને આપણે શ્વાસમાં લેતી હવામાંથી ઝેરી રસાયણો દુર કરે છે. ૧૯૮૯ પ્રકાશિત થયેલ નાસાના એક વિખ્યાત પ્રયોગનું તારણ હતુ કે ઇન્ડોર છોડવાઓ હવામાંથી ફોર્મેલ્ડીહાઇડ અને બેન્ઝીન જેવા કેન્સર ઉત્પન્ન કરતા રસાયણો દુર કરે છે. પછીના રીસર્ચોમાં પણ જાણવા મળ્યું હતું કે ઘરમાં રહેલા રોપાઓ ઘરની હવા શુધ્ધ કરવામાં ભાગ ભજવે છે.

આ રિસર્ચના આધારે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે ઘરની અંદરના છોડવાઓ અસરકારક રીતે હવાનું શુધ્ધિકરણ કરે છે અને આ છોડના પાંદડા જેમ મોટા તેમ તે વધુ અસરકારક બને છે. ૧૯૮૯ના અભ્યાસના એક સહયોગી વૈજ્ઞાનિક બીલ વુલવર્ટન કહે છે કે પાંદડાની સપાટી જેટલી વધારે તેટલો હવા શુધ્ધિકરણનો દર વધારે.

વુલવર્ટન કહે છે કે એક રૂમની હવાના શુધ્ધિકરણ માટે કેટલા છોડવાઓ રાખવા જોઇએ તેનો અભ્યાસ ન થયો હોવાથી ચોકકસ આંકડો આપવો અઘરો છે. પણ તે ભલામણ કરતા કહે છે કે ૧૦૦ ચોરસફુટની   જગ્યાની ખરાબ હવાના શુધ્ધિકરણ માટે બે ઠીક ઠીક મોટા છોડવા પુરતા થઇ શકે. વુલવર્ટન અનુસાર બોસ્ટન ફર્નનો છોડ દુષિત હવા માટે સૌથી અસરકારક છે પણ તેને ઘરમાં ઉગાડવો બહુ અઘરો છે એટલે હું બધાને ગોલ્ડન પોથોઝની ભલામણ કરૂ છું કેમ કે તે સહેલાઇથી ઉગી જાય છે.(૨૩.૨૬)            (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:49 pm IST)