Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સસ્તા સોલર સેલ બનાવવામાં નેનોટેકનોલોજીનો પ્રયોગ સફળ?

ન્યુયોર્ક તા. ૩૧: અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ સૌરઊર્જા ગ્રહણ કરવામાં વિશેષ કાર્યક્ષમ તથા સસ્તા સોલર સેલ બનાવવા વિશે સંશોધન કર્યું છે. નેનોટેકનોલોજી આધારિત સંશોધનમાં ભારતીય મૂળના સંશોધકની પણ મહત્વની ભૂમિકા છે. વૈશ્વિક સ્તરે સૌરઊર્જા ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થતા સંશોધનમાં મૂળ ભારતીય મહિલા ડો. શ્રેષ્ઠા બાસુ મલિકે તેમના સલાહકારો ડો. માર્ક બ્રોન્ગરસ્મા અને ડો. પીટર પમેન્સની મદદથી સસ્તા અને સક્ષમ સોલર સેલના ઉત્પાદનની પદ્ધતિ વિકસાવી છે.

2D નેનોસ્ટ્રકચર સહિત થીન ક્રિસ્ટેલાઇન સિલિકોન સોલર સેલ ડેવલપ કરવા માટે એ રિસર્ચ ટીમે ઓપ્ટિકલ મોડલિંગ અને ઇલેકિટ્રકલ સિમ્યુલેશન્સનો ઉપયોગ કર્યો છે. નેનોસ્ટ્રકચર ઉપરથી આવતા સૂર્યપ્રકાશને વધારે સારી રીતે ઝીલી શકતું હોવાનું કારણ દર્શાવતાં આ પ્રયોગમાં સફળતાનો દાવો કરવામાં આવ્યો છે. સૂર્યપ્રકાશ જેટલા વધારે વખત માટે સોલર સેલમાં રહે એટલા વધારે પ્રમાણમાં સેલની અંદર ઊતરે છે. નેનોસ્ટ્રકચરિંગ વડે સૂર્યપ્રકાશ વધરે પ્રમાણમાં સોલર સેલમાં પચી જતો હોવાનો અને આવશ્યક સિલિકોનની જાડાઇમાં ઘટાડો થતો હોવાનો દાવો ડો. શ્રેષ્ઠા બાસુ મલિકે કર્યો છે.

(4:12 pm IST)