Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠને વાળ ખરવાની વ્યાધિ સાથે પણ સંબંધ છે

બર્લીન તા. ૩૦: જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં સંશોધકોએ અમેરિકામાં રહેતી હજારો મૂળ આફ્રિકન મહિલાઓના સર્વેક્ષણ બાદ જણાવ્યું હતું. કે વાળ ખરવાના વ્યાધિને કારણે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠ થવાનું જોખમ વધી જાય છે. એ વ્યાધિ મુખ્યત્વે કાળી મહિલાઓમાં જોવા મળે છે.

અમેરિકાની જોન હોપ્કિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન્સના સંશોધકોએ ર૦૧૩થી ર૦૧૭ સુધી ચાર વર્ષના ગાળામાં અમેરિકામાં રહેતી મૂળ આફ્રિકન ૪,૮૭,૧૦૪ કાળી મહિલાઓની વિગતોનું વિશ્લેષણ કર્યું હતું. અભ્યાસમાં ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠ વાળ ખરવાની વ્યાધિ ધરાવતી મહિલાઓમાંથી ૧૩.૯ ટકાને અને વાળ ખરવાની વ્યાધિ ન હોય એવી ૩.૩ ટકા મહિલાઓને હતી. એકંદરે ૪,૮૭,૧૦૪ મહિલાઓની વિગતોના અભ્યાસમાં ૧૬,ર૧ર મહિલાઓને ફાઇબ્રોઇડની વ્યાધિ હતી. સામાન્ય ગણતરીમાં વાળ ખરવાની વ્યાધિ ધરાવતી ૪૪૭ મહિલાઓમાંથી ૬ર મહિલાઓને ફાઇબ્રોઇડની વ્યાધિ હતી. એકંદરે વાળ ખરવાની વ્યાધિ વગરની મહિલાઓની સરખામણીમાં વાળ ખરવાની વ્યાધિ ધરાવતી મહિલાઓને ગર્ભાશયમાં ફાઇબ્રોઇડનું પાંચગણું જોખમ હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે વાળ ખરવાની વ્યાધિ ધરાવતી મહિલાઓએ ફકત ગર્ભાશયમાં ગાંઠ બાબતે નહીં પણ એકસેસ ફાઇબ્રસ ટિશ્યુ સંબંધિત અન્ય બીમારીઓની શકયતા બાબતે પણ સાવધ રહેવું જોઇએ.

(3:43 pm IST)