Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

૧૭૦૦ વર્ષ પહેલાં ડૂબેલા જહાજમાંથી મળ્યા રોમન સામ્રાજયના ૧૦૦ કૂંજા

લંડન તા. ૩૦: સ્પેનના બેલેરિક આઇલેન્ડના મેઝોરકકા બીચથી થોડે જ દૂર દરિયાના પેટાળમાંથી એક જહાજના અવશેષો મળી આવ્યા છે. સામુદ્રિક નિષ્ણાતોના કહેવા મુજબ આ શિપ લગભગ ૧૭૦૦ વર્ષ પહેલાંનું હોવાનું મનાય છે. આમ તો આ વહાણનો ભંગાર ફેલિકસ અલાર્કોન અને તેની પત્નીને જુલાઇ મહિનામાં જોવા મળેલું. જોકે એ પછીથી નિષ્ણાતોની ટીમે આ ભંગારને ખંખોળ્યો હતો અને એમાં શું હતું એની તપાસ કરી. એ ખજાના પરથી ૧૭૦૦ વર્ષ પહેલામંની જીવનશૈલી અને સંસ્કૃતિનો અંદાજ મેળવવાનો પુરાતત્વવિદોનો ઇરાદો હતો. નવાઇની વાત એ છે કે એમાંથી નિષ્ણાતોને ર૦૦ જેટલા કૂંજા મળી આવ્યા જેની પર રોમન સામ્રાજયની છાપ છે. એમાંથી ૧૦૦ જેટલા જાર તો હજીયે સારી સ્થિતિમાં છે અને વાપરી શકાય એમ છે. પુરાતત્વવિદોનું માનવું છે કે આ કૂંજા માછલીની ચટણી, ઓલિવનઓઇલ, ફ્રૂટ વાઇન કે આલ્કોહોલ જેવા પ્રવાહીને સાચવવા માટે વપરાતા હશે. જહાજના મોટા ભાગના દરવાજા એકદમ કાટ ખાઇને જામ થઇ ગયા હોવાથી ખુલતા નથી. અત્યારે તો સ્પેનિશ નેવીના સ્કૂબા ડાઇવરોએ કૂંજા બહાર કાઢવાનું કામ કર્યું છે અને એને મેલોર્કા મ્યુઝિયમમાં મોકલી દેવાયા છે.

(11:44 am IST)