Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સાઉથ આફ્રિકામાં મહિલાઓને એકથી વધારે પતિ રાખવાની છૂટ આપવાની દરખાસ્ત મુકવામાં આવી

નવી દિલ્હી: સાઉથ આફ્રિકામાં મહિલાઓને એકથી વધારે પતિ રાખવાની છૂટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ દરખાસ્તના લીધે દેશના રુઢિચુસ્ત વર્ગમાં હોબાળો મચી ગયો છે. દેશના ગૃહવિભાગ દ્વારા આ પ્રકારની દરખાસ્તનું ગ્રીન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. લગ્નોને વધારે સમાવિષ્ટ બનાવવા માટે આ પ્રકારની દરખાસ્ત બનાવાઈ છે, પરંતુ આ દરખાસ્ત સૌથી વધારે વિવાદાસ્પદ દરખાસ્ત નીવડી છે. સરકારે આ ગ્રીન પેપર પર ૩૦ જુન સુધી ટિપ્પણીઓ મંગાવી છે. આ પેપરને એપ્રિલમાં તૈયાર કરવામાં આવ્યું હતું. તેને મેમાં સૂચનો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સરકારના દસ્તાવેજમાં જણાવાયું છે કે હાલમાં સાઉથ આફ્રિકામાં લગ્નોનું થતું નિયંત્રણ દેશની બંધારણીય જોગવાઈઓના આધારે થતું નથી. કાયદામાં કેટલીક વિસંગતતાઓ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દસ્તાવેજમાં જણાવાયું છે કે લગ્નની નીતિનો હેતુ સાઉથ આફ્રિકામાં વસતી બધી વ્યક્તિઓના લગ્નોના નિયંત્રણનો આધાર સ્થાપવાનો છે. આ પ્રસ્તાવિત લગ્ન કાયદાના લીધે સાઉથ આફ્રિકનો અને દરેક પ્રકારના જાતીય ઇરાદા ધરાવનારાઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા ધરાવનારાઓ સમાનતા, ભેદભાવ વગર, માનવીય પ્રતિષ્ઠા અને વૈવિધ્યતામાં એક્તાના સિદ્ધાંતના આધારે તેમના લગ્ન કાયદાકીય રીતે સંપન્ન કરી શકશે, એમ દસ્તાવેજમાં જણાવાયું હતું.

(6:27 pm IST)