Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

આ ભાઇએ સાવજ પાળ્યો છે અને એની પાછળ ખર્ચે છે મહિને બે લાખ રૂપિયા

મુલ્તાન તા. ૩૦: થોડાક વખત પહેલાં પાકિસ્તાનમાં બે ભાઇઓએ ટચૂકડા ફલેટના ઘરમાં બે સિંહ પાળ્યા હોવાના સમાચાર હતા. આવા જ સમાચાર ફરીથી પાકિસ્તાનના મુલતાન શહેરથી આવ્યા છે. ઝુલ્કેફ નામના ૩૩ વર્ષના અમીરજાદા યુવાને પોતાના વિશાળ બંગલામાં એક સિંહને પાળતું બનાવીને રાખ્યો છે. સિંહભાઇનું નામ છે બબ્બર. ઝુલ્કેફના ઘરમાં સિંહને રહેવા માટે અલાયદો રૂમ છે. એમાં તેના માટે વિશાળ ડબલબેડ અને ગરમી ન લાગે એ માટે એસી પણ છે. જો કે બબ્બર શેરને કદી સાંકળથી બાંધવામાં નથી આવતો. ભાઇસાહેબ આખા ઘરમાં છુટા ફરતા હોય છે. ઝુલ્કેફ એક રેસ્ટોરાંનો માલિક છે અને તેને બે વર્ષનો દીકરો છે. નાનકડો દીકરો પણ આ સિંહની સાથે જાણે ડોગી સાથે રમતો હોય એટલી સહજતાથી રમે છે. હજી છ મહિના પહેલાં જ આ સિંહને પાળવામાં આવ્યો છે અને ઝુલ્કેફના કહેવા મુજબ સિંહ ઘરના જ સભ્યની જેમ પરિવારનો ભાગ બની ગયો છે. એને સાચવવા માટે ઝુલ્કેફ કોઇનીયે મદદ નથી લેતો. એને પાળતું પ્રાણીની જેમ રહેવાની તાલીમ આપવામાં આવે છે અને ઝુલ્કેફ એને પોતાના હાથે માંસના ટુકડા ખવડાવે છે.

(3:41 pm IST)