Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

બાળકોને સુમો રેસલરના હાથમાં રડાવવાની જપાનની અનોખી પ્રથા

ટોકયો તા.૩૦: જપાનમાં ૪૦૦ વર્ષ જુનાં નાકિઝુમો ફેસ્ટિવલમાં બાળકોને રડાવવામાં આવે છે. એક વર્ષથી નાની વયનાં બાળકોને સુમો રેસલરના હાથમાં સોંપી દેવામાં આવે છે અને બળિયાઓ બાળકોને રડાવે છે. ટોકયોના સેન્સોજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ૨૦૧૮માં જન્મેલાં ૧૬૦ બાળકોએ ભાગ લીધો હતો. એવી માન્યતા છે કે જે બાળકો સુમો રેસલરના હાથમાં ખૂબ રડે તે મોટો થઇને સુખ સમૃદ્ધિ પામે છે. જો કે આ માન્યતાને હવે સ્પર્ધાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. જે બાળક સુમો રેસલર પાસે સૌથી મોટો ભેંકડો તાણે તે જીતે. આ માટે રેસલિંગ રિંગમાં બે પરંપરાગત ડ્રેસ પહેરેલા સુમો બાળકો સાથે ઉભા રહે છે અને 'નાકી નાકી ' બોલે છે. જેપનીઝમાં નાકી એટલે રડવું. બન્ને માંથી કોના હાથમાંનું બાળક વધુ રડે છે, પહેલા રડે છે અને કેટલું લાંબુ રડે છે એની સ્પર્ધા યોજાય છે. જો કે કેટલાંક બાળકો રડવાને બદલે સ્માઇલ રેલાવતાં પણ દેખાય છે.

(10:13 am IST)