Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

અચાનક ખૂબ માથું દુખ્યું અને બ્રેઇન હેમરેજ થતાં ગજિનીની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસ થઇ ગઇ

શિકાગો તા.૩૦: માથું દુખવું એ તો સામાન્ય બાબત છે એવું આપણે માનતા હોઇએ છીએ પણ અમેરિકાના શિકાગો શહેરમાં રહેતી ૩૦ વર્ષની સિડની હિર્શ નામની મહિલા માટે તો માથાનો દુખાવો ભયાનક દુઃસ્વપ્ન સમાન નિવડયો હતો. થોડા દિવસો પહેલાં તેને અચાનક ખુબ માથું દુખ્યું. દુખાવાની ફરિયાદ પછી ૨૦ જ મિનિટમાં તે લિટરલી બેભાન થઇ ગઇ. તરત જ તેને ડોકટર પાસે લઇ જવામાં આવી જયાં તેને બ્રેઇન હેમરેજ થઇ ગયું હોવાની ખબર પડી. આર્ટરીઓવિનસ માલફંકશન થવાને કારણે તેના મગજની ધોરી નસ ફાટી ગઇ હતી. તેનો જીવ બચાવવા માટે તાત્કાલિક સર્જરી કરવામાં આવી. ૧૧ કલાકની સર્જરી પછી તેનો જીવ બચી ગયો છે, પણ હેમરેજને કારણે મગજના ચોક્કસ ભાગમાં થયેલા ડેમેજને લીધે તેને શોર્ટ ટર્મ મેમરી લોસની સમસ્યા થઇ છે. તેને માથું દુખવા લાગ્યું એ પહેલાંનો ભૂતકાળ બરાબર યાદ છે, પણ એ પછીની ચીજો તે વારંવાર ભૂલી જાય છે. ડોકટરોને લાગે છે કે કદાચ તેની આ સમસ્યા કદી રિકવર નહીં થાય.

(10:12 am IST)