Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

અઠવાડિયામાં બે વખત એકસરસાઇઝ કરવાથી યાદશકિત અને વિચારવાની તાકાત વધે છે

નવી દિલ્હી તા.૨૯: વ્યકિત કે વસ્તુને ઓળખવાની ક્ષમતા નબળી પડી ગઇ હોય એવી વ્યકિતઓ અઠવાડિયામાં બે વખત વ્યાયામ કરે તો એમની યાદશકિત અને વિચારવાની ક્ષમતામાં સુધારાની શકયતા અમેરિકન એકેડેમી ઓફ ન્યુરોલોજીની ગાઇડલાઇન્સમાં દર્શાવવામાં આવી છે.

એકેડેમીના સંશોધનકારો કહે છે કે વ્યકિત કે વસ્તુને ઓળખવા-પારખવાની ક્ષમતા નબળી પડવાની વ્યાધિ-માઇલ્ડ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ (MCI)  વૃધ્ધાવસ્થામાં થતી હોય છે. એ વ્યાધિને વિચારવની ક્ષમતા અને યાદશકિત સાથે જોડવામાં આવે છે. પરંતુ એ વિસ્મૃતિ નથી. પરંતુ એ વ્યાધિ (MCI) આગળ વધતાં વિસ્મૃતિ થવાની શકયતા રહે છે. જોકે એ તબક્કે કસરત કરવાથી યાદ શકિતમાં સુધારાની શકયતાનું સંશોધન ઉત્સાહજનક છે. કારણકે મોટાભાગના લોકો કસરત કરી શકે છે અને એનાથી એકંદરે આરોગ્યને લાભ પણ થાય છે.

એ દિશામાં લાંબા ગાળાના અભ્યાસ કરવામાં આવ્યા નથી. પરંતુ છ મહિનાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં બે વખત કસરત કરવાથી યાદશકિત વધે છે. એકેડેમીની ગાઇડ લાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે MCIની ટ્રીટમેન્ટ માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની મંજૂરી ધરાવતી કોઇ દવા નથી. તે ઉપરાંત MCIની વ્યાધિ ધરાવતા લોકોમાં યાદશકિત અને વિચારવાની ક્ષમતામાં સુધારો માટે દવાઓ કે આહારમાં ફેરફાર સુચવાતા કોઇ ઉચ્ચ સ્તરના લાંબા ગાળાના અભ્યાસો થયા નથી. ગાઇડ લાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે MCIની વ્યાધિ ધરાવતા લોકોને કોગ્નિટિવ ટ્રેઇનિંગની ભલામણ ડોકટરો કરી શકે છે. પરંતુ એ ટ્રેઇનિંગ પણ મગજના કોગ્નિટિવ ફંકશનમાં સુધારામાં લાભદાયકા સાબિત થવાના સક્ષમ પુરાવા મળ્યા નથી.MCI વિશે ઉપલબ્ધ તમામ અભ્યાસોની સમીક્ષા બાદ નવી ગાઇડ લાઇન્સ ઘડનારાઓએ ભલામણો તૈયાર કરી હતી. સમગ્ર વિશ્વમાં ૬૦ વર્ષ કરતા વધારે ઉંમરના છ ટકા કરતાં વધારે લોકોને MCIની વ્યાધિ  છે. ઉમર વધતા એ સ્થિતિ સામાન્ય બનતી જાય ચે. ૮૫ વર્ષ અને એથી વધારે ઉંમરના ૩૭ ટકા કરતાં વધારે લોકોનેએ વ્યાધિ હોય છે.

(11:35 am IST)