Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

કમ્બોડિયામાં કોકફાઇટીંગના અડ્ડા પર દરોડાઃ પોલીસ ૯૨ કૂકડા ઝાપટી ગઇ

જુગારના અડ્ડા ચલાવતા કમ્બોડિયન પીએમના સંબંધી સામે પગલા ન લેવાયા

ફેનોમ પેન્હ તા. ૨૯ : કમ્બોડિયામાં પોલીસે દેશના વડાપ્રધાન હુન સેનના જ એક સંબંધીના ગેરકાયદે કોકફાઈટીંગના અડ્ડા પર દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી હતી. જો કે આ કિસ્સામાં સજા કૂકડાઓને જ મળી હતી. કેમકે અહીંથી જપ્ત કરાયેલા ૯૨ કૂકડાઓને પોલીસ કાર્યવાહી બાદ આરોગી ગઈ હતી. આ ઘટના ૪ ડિસેમ્બરની છે. કમ્બોડિયન પોલીસે કમ્બોડિયન-ઓસ્ટ્રેલિયન નાગરિક થાઈ ફેની સામે આ આકરૃં પગલું લીધું છે. થાઈ ફેની પીએમ હુન સેનના પરિવારના સભ્ય પણ છે.

જો કે પોલીસે જે કૃત્ય કર્યુ તે અનધિકૃત નહોતું. વાસ્તવમાં આ મામલે કોર્ટે જ આદેશ આપ્યો હતો કે તમામ ૯૨ કૂકડાઓની કતલ કરી નાખવામાં આવે. જો કે લોકોમાં આ રીતે કૂકડાઓની કતલ કરી નાખવાની વાતથી રોષ પણ ફેલાયો છે. ઓનલાઈન રહેતા સોશિયલ મીડિયા યુઝર્સે કૂકડાઓની કતલના મામલે કાગારોળ મચાવી હતી. લોકોએ એવા સવાલો પણ કર્યા હતા કે કોકફાઈટીંગથી જુગારની સજા કૂકડાઓને કેમ? કૂકડાઓનાં માલિકો કયાં છે, તેઓને શું છોડી મૂકાયા છે? પોલીસે કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોની અટકાયત કરી હતી પરંતુ થોડા સમયમાં તેઓને છોડી મૂકયા હોવાના અહેવાલો મળ્યા છે.

(9:15 am IST)