Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

થાઇલેન્ડમાં મરેલા સાબરના પેટમાંથી ૭ કિલો પ્લાસ્ટિક અને કપડાં નીકળ્યાં

બેગ્કોક,તા.૨૯:થાઇલેન્ડની લાઓસ તરફની સરહદ પાસેના નાન પ્રોવિન્સના ખુન સથાન નેશનલ પાર્કના વેટરનરી ડોકટરોએ મોટાં શિંગડાં ધરાવતા ઊંચા કદના સાબર જાતિના હરણના પેટમાંથી પ્લાસ્ટિક અને કપડાં મળીને ૭ કિલો નકામા પદાર્થ કાઢ્યા હતા. ડોકટરોએ મૃત હાલતમાં મળેલા સાબરના પેટમાંથી ઇન્સ્ટન્ટ નૂડલ પેકેટ્સ, પ્લાસ્ટિક બેગ્સ, હેન્ડ ટોવેલ્સ, રબર ગ્લવ્ઝ, પ્લાસ્ટિકનું દોરડું અને પુરુષોનાં પહેરવાનાં કપડાં બહાર કાઢ્યાં હતાં. દસેક વર્ષના નર સાબરનું વજન લગભગ ૨૦૦ કિલો અને એની લગભગ સાડાચાર ફુટ (૧૩૫ સેન્ટિમીટર) ઊંચાઈ હતી. કેટલાક દિવસ પહેલાં મૃત્યુ પામેલા એ હરણના શરીર પર કોઈ જખમ જણાતો નહોતો. એનું મોત આંતરડાંમાં કચરો ભેગો થવાને લીધે તથા ઉંમરને કારણે થયું હોવાનું વેટરનરી ડોકટરોએ જણાવ્યું હતું.

(3:19 pm IST)