Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બે મહિના થી ખાંસતા રહેતા ભાઈના ગળામાંથી જીવતી જળો નીકળી

બીંજીંગ,તા.૨૯:બીમારીમાં ડોકટરની સલાહ કયારે લેવી એ વિશે દરેક વ્યકિતનો પોતપોતાનો મત હોય છે, પણ એક ચોક્કસ તબક્કે ડોકટરની સલાહ લેવાનો નિર્ણય લેવો જરૂરી બની જાય છે. દક્ષિણ ચીનના ફ્યુજિયાન પ્રાંતમાં આવેલી એક હોસ્પિટલમાં બે મહિનાથી સતત અવિરત ખાંસી ખાઈ રહેલા એક માણસનો અજીબોગરીબ કેસ આવ્યો હતો. આ ભાઈએ સતત બે મહિના ખાંસી આવવાની વાતને ત્યાં સુધી ગંભીરતાથી નહોતી લીધી જયાં સુધી ખાંસીમાં કફ સાથે લોહી ન દેખાયું.

ડોકટરની સલાહ લેવાનું નક્કી કર્યા બાદ શરૂઆતમાં ડોકટરોએ સીટીસ્કેન કરાવવા કહ્યું, પણ એમાં કાંઈ સ્પષ્ટ ન થતાં વધુ આક્રમક માર્ગ અપનાવીને ગળાની અંદરના પેસેજમાં એક નાના કેમેરાની મદદથી પરીક્ષણ કરી શકાય એ માટે બ્રોન્કોસ્કોપી કરાવવાનો નિર્ણય લીધો. બ્રોન્કોસ્કોપીનું જે રિઝલ્ટ આવ્યું એ સાચે જ ચોંકાવનારું હતું. ગળામાં બે જળો ચોંટેલી જોવા મળી હતી. ત્રણ સેન્ટિમીટરની લંબાઈ ધરાવતી એક જળો ગ્લોટિસ (કંઠસ્થાનનો ભાગ જયાં અવાજના તાર હોય છે) પાસે અને બીજી જમણા નસકોરામાં ચોંટેલી હતી.

સ્વાભાવિક રીતે આ ભાઈને ખબર નહોતી કે જળો તેના શરીરમાં કઈ રીતે પ્રવેશી, પણ ડોકટરોનું માનવું છે કે પહાડો પરનાં ઝરણાંમાંથી પાણી પીતી વખતે આ જળો તેના શરીરમાં પ્રવેશી ગઈ હશે. એ વખતે આ જળો એટલી નાની હશે કે નરી આંખે દેખાઈ નહીં હોય અને પછીથી બે મહિના સુધી પેશન્ટના ગળામાં બેસીને લોહી પીને એનો વિકાસ થયો હશે.

ડોકટરોએ પેશન્ટના ગળામાંથી ચીપિયાની મદદથી જીવતી જળોને કાઢતાં પહેલાં તેને એનેસ્થેશિયા આપવું પડ્યું હતું. હવે પેશન્ટની તબિયત સુધારા પર છે.

(3:19 pm IST)