Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઐસા ભી હોતા હૈ...

પર્સ ખોવાયુ, પરત કરનારે વધુ રૂપિયા મૂકી પાછું આપ્યું!

ન્યુયોર્ક તા. ૨૯ : ઘણી વખત જીવનમાં એવી ઘટનાઓ બને છે, જે જીવનભર યાદ રહી જાય છે. એવું જ કંઈક અમેરિકાના હંટર શમૈટ સાથે બન્યું. હકીકતમાં હંટર ગત દવિસોમાં પોતાની બહેનના લગ્ન માટે લાસ વેગાસ આવ્યો હતો. લાસ વેગાસ પહોંચ્યા પછી તેને જાણ થઈ કે તેનં પર્સ ખોવાઈ ગયું છે. હંટરના પર્સમાં ૬૦ ડોલર કેશ, ૪૦૦ ડોલરનો એક પે-ચેક અને તેના બેંક કાર્ડ, આઈડી કાર્ડ વગેરે હતા.

હંટર પર્સ ખોવાઈ જવાને પગલે થોડો પરેશાન હતો. જોકે, બહેનના લગ્ન થવાના હોવાથી તેને આ અંગે વધુ ન વિચારવાનું જ યોગ્ય લાગ્યું. જોકે, પર્સની સાથે પોતાનું આઈડી કાર્ડ ગુમાવી દેવાથી તે વધુ ચિંતિત હતો. હંટરના જણાવ્યા મુજબ, તેને એવું લાગ્યું કે, તેનું પર્સ ઓમાહાથી વેગાસ આવતી વખતે ફ્રન્ટિયર ફલાઈટના વિમાનમાં પડી ગયું હશે. તે પછી હંટરે ફ્રન્ટિયર ફલાઈટને ફોન કરી પોતાની પરેશાની જણાવી. પરંતુ વિમાન કંપનીએ આવું કોઈપણ પર્સ મળ્યું હોવાનો ઈનકાર કરી દીધો.

બહેનના લગ્ન થયા બાદ જયારે હંટર પોતાના માતા-પિતા સાથે પાછો ઓમાહા જઈ રહ્યો હતો, તો તેને એરપોર્ટ પર આઈડી કાર્ડ ન હોવાથી લગભગ ૧ કલાક રોકીને પૂછપરછ કરવામાં આવી. આખરે આખો મામલો જાણ્યા બાદ અને પૂરી ખાતરી થયા બાદ હંટરને ફલાઈટમાં બેસવા દેવાની મંજૂરી આપવામાં આવી.

હંટર ઘરે પાછો આવ્યો તેના એક દિવસ પછી તેના ઘરે એક પેકેટ આવ્યું, જેમાં તેનું પર્સ અને બધો સામાન હતો અને પેકેટમાં એક ચિઠ્ઠી પણ હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, 'હંટર, મને આ પર્સ ઓમાહાથી વેગાસની વચ્ચે ફ્રન્ટિયર ફલાઈટમાં ૧૨મી લાઈનમાં સીટ એફ અને દીવાલ વચ્ચે મળ્યું હતું. મને લાગ્યું તું તેને પાછું મેળવવા ઈચ્છતો હશે. ઓલ ધ બેસ્ટ.'

આ ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું હતું કે, 'મેં તારી કેશ રાઉન્ડ ફીગર કરતા ૧૦૦ ડોલર કરી દીધા છે, જેથી તું પર્સ મળ્યાની ખુશીમાં પાર્ટી કરી શકે. મજા કરજે!!' આ પેકેટ મેળવીને હંટરની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે પર્સ પાછું આપનારને મળીને તેનો આભાર માનવા ઈચ્છે છે. જોકે, જાણકારી ન મળવા પર હંટરની માએ જીની શમેટે આ ચિઠ્ઠીને ફેસબુક પર અપલોડ કરી દીધી. સોશયલ મીડિયા પર આ ચિઠ્ઠીને ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને ઘણા યૂઝર્સ તેના પર કોમેન્ટ કરી ચૂકયા છે, તો મોટી સંખ્યામાં આ પોસ્ટ પર લાઈકસ આવી રહી છે.

(9:45 am IST)