Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ટોક્યોમાં ગરમીએ માઝા મૂકી:પારો પહોંચ્યો 35 ડિગ્રીએ

નવી દિલ્હી: જાપામાં અત્યારે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં મંગળવારે સતત ચોથા દિવસે તાપમાન ૩૫.૧ ડિગ્રી સે.ના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. પરિસ્થિતિ એ હતી કે ટોક્યોમાં જૂનમાં ગરમીએ અંદાજે ૧૫૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કાળઝાળ ગરમીમાં વીજકાપે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં મંગળવારે બપોરે ૧.૦૦ વાગ્યે તાપમાન ૩૫.૧ સે. ડિગ્રી નોંધાઈ હતી. ટોક્યોમાં છેલ્લા ત્રણ દિવસથી ૩૫ ડિગ્રી તાપમાન જળવાયેલું રહ્યું હતું, જે જૂનમાં ૧૮૭૫ પછી અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે. હીટવેવની સ્થિતિ હાલ હળવી થવાની નથી. જાપાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાન હજુ ૩૬ સે. ડિગ્રી સુધી જવાનો અંદાજ છે. જાપાનના અનેક વિસ્તારોમાં હીટસ્ટ્રોક એલર્ટ જાહેર કરાઈ છે. હોસ્પિટલમાં લોકોની સંખ્યા વધવા લાગી છે. ઈમર્જન્સી સેવાઓએ ટોક્યોમાં ૭૬ લોકોને હોસ્પિટલ પહોંચાડયા છે. ગરમીના કારણે લોકો માસ્ક પણ પહેરી નથી રહ્યા. વીજળી વિભાગના અધિકારીઓએ ટોક્યોમાં લોકોને વીજકાપથી બચવા માટે વીજળીનો ઉપયોગ ઓછો કરવા જણાવ્યું છે.અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, લોકો વીજળી ઉપયોગજરૂરિયાત મુજબ જ કરે. બુધવારે પણ વીજકટોકટી જળવાઈ રહેશે.

(6:29 pm IST)