Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

સ્પેનમાં ભારે વરસાદના કારણોસર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી: સ્પેનની રાજધાની મેડ્રિડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. ઘણા વિસ્તારોમાં કમર સુધી પાણી ભેગું થઈ ગયું હતું અને લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. ભોંયરાઓ ડૂબી ગયા હતા, ઉદ્યાનો અને શેરીઓ પાણીમાં ડૂબી ગયા હતા અને મિલકતને ખરાબ રીતે નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે સ્પેનના એક શહેરમાં પાણી ભરાઈ ગયું હતું અને એક મોટી કાર માચીસની પેટીની જેમ વહી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને એમેસ્ટે નામના યુઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો સ્પેનના કેટલાક નીચાણવાળા વિસ્તારનો છે, જ્યાં ભારે વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ કાર ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના તમામ પ્રયાસો પાણીની સામે નિષ્ફળ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર સિવાય પણ ઘણા વાહનો આ પૂરના પાણીમાં વહી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે લાલ રંગની કાર પાણીમાં ધોવાઈ રહી છે. એક વ્યક્તિએ તેના ઘરની બારીમાંથી કાર વહી રહી હોવાનો વીડિયો બનાવ્યો છે. કાર કેટલાય મીટર પાણીમાં વહી ગઈ હતી. 

 

(6:50 pm IST)