Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ટ્રમ્પના વહીવટી તંત્રમાં અમેરિકાની લોકશાહી પર ભયંકર જોખમ : કમલા હેરિસે કર્યા આકરા પ્રહાર

ટ્રમ્પની મેક્સિકોની સરહદે દિવાલ બાંધવાની વાતને મધ્યકાળની વ્યર્થ યોજના ગણાવી

અમેરિકાની લોકશાહી પર ભયંકર પ્રહારોના કારણે ઇતિહાસમાં અગાઉ ક્યારે નહતી એવા વણાંક પર દેશની લોકશાહી આવીને ઊભી છે, એમ કહીને ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસે પોતાના ૨૦૨૦ પ્રમુખપદની ચૂંટણીના પ્રચારની શરૃઆત કરી હતી. ૨૦૧૬માં સેનેટમાં ચૂંટાઇ આવેલા ૫૪ વર્ષના હેરિસે ગયા સપ્તાહે જ પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. નવેમ્બર ૨૦૨૦માં યોજાનારી ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવા ડેમોક્રેટિક નેતાઓની યાદીમાં હેરિસને સૌથી વધુ મત મળ્યા હતા.

અમેરિકન સેનેટમાં ચૂંટાઇ આવેલી બીજી આફ્રિકન-અમેરિકન મહિલા કમાલા હેરિસે રાજકીય કારકિર્દીની શરૃઆત કરી ત્યારથી તેમની સરખામણી બરાક ઓબોમા સાથે કરવામાં આવી રહી છે.' દેશના ઇતિહાસમાં આપણે વણાંક પર ઊભા છીએ. અમે અહીંયા છીએ કારણ કે અમેરિકન ડ્રીમ અને આપણી અમેરિકન લોકશાહી પર જોખમ ઊભા થયા છે અને એ પણ એવા કે અગાઉ ક્યારે પણ ઊભા થયા નહતા'એમ હેરિસે કહ્યું હતું.

અભ્યાસ માટે તામિલનાડૂથી અમેરિકા આવેલા માતા શ્યામલા ગોપાલનના જુસ્સાનો પ્રતિબંબ પાડતાં હેરિસે પોતાના હોમટાઉન ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં તાળીઓથી વધાવી રહેલા ટોળાને કહ્યું હતું ટ્રમ્પ જેવા વર્તમાન પ્રમુખ સામેની ચૂંટણી સરળ નહીં હોય.' પણ એ આપણો ઇતિહાસ નથી. આપણે કોણ છીએ એ પણ નથી. આપણે એના કરતાં વધારે છીએ'. હેરિસે એવા અમેરિકાની વાત કરી જેમાં 'અમે શરણાર્થીઓને આવકારીએ છીએ' કહ્યું.

તેમણે ટ્રમ્પની મેક્સિકોની સરહદે દિવાલ બાંધવાની વાતને મધ્યકાળની વ્યર્થ યોજના ગણાવી હતી.'જો મને તમારા પ્રમુખ બનવાની તક મળશે તો હું સાચું બોલીશ કે હું સંપૂર્ણ નથી. ઇશ્વર જાણે છે કે હું સંપૂર્ણ નથી. પણ હું હમેંશા સભ્ય ભાષામાં જ વાત કરીશ અને તમામ લોકોને માન તેમજ સન્માન સાથે વર્તીશ'એમ કમલા હેરિસે કહ્યું હતું.

(8:15 pm IST)