Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અંતરિક્ષમાં સર્જાઈ ટ્રાફિક જામ જેવી સમસ્યા:રશિયા-ભારતના સેટેલાઇટ વચ્ચે ટક્કર થતા અટકી ગઈ

નવી દિલ્હી: અંતરિક્ષમાં સેંકડો સેટેલાઈટ લોન્ચ થયા હોવાથી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને તેની વચ્ચે રશિયા અને ભારતના સેટેલાઈટ વચ્ચે ટક્કર થતા રહી ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. રશિયન સ્પેસ એજન્સીનુ કહેવુ હતુ કે, ભારતના સેટેલાઈટ કાર્ટોસેટ અને રશિયન સેટેલાઈટ કેનાપુસ એક બીજાથી અત્યંત નજીક આવી ગયા હતા.તેમની વચ્ચે માંડ 224 મીટરનુ અંતર રહી ગયુ હતુ.આદર્શ રીતે બે સેટેલાઈટ વચ્ચે એક કિલોમીટરનુ અંતર રહેવુ જરુરી છે.

       આ બંને સેટેલાઈટ રીમોટ સેન્સિંગ પ્રકારના છે.જે કોઈ પણ હિલચાલ પર બારીક નજર રાખી શકે છે.રિમોટ સેન્સિંગ સેટેલાઈટનુ મહત્વ પણ વધારે છે.કારણકે તે દેશ માટે ત્રીજી આંખની ગરજ સારે છે.જેનો ઉપયોગ દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખવા માટે પણ થતો હોય છે.આ સેટેલાઈટ અથડાયા હોત તો બંને દેશને ભારે નુકસાન થયુ હોત અને તેમના ટુકડા બીજા સેટેલાઈટ માટે પણ જોખમી બન્યા હોત.સૂત્રોના કહેવા પ્રમાણે 224 મીટરનુ અંતર અત્યંત જોખમી કહી શકાય.સામાન્ય રીતે સ્પેસ એજન્સીઓ બે સેટેલાઈટ એક બીજાની નજીક આવી જતા હોય છે ત્યારે તેને કંટ્રોલ રુમમાંથી કંટ્રોલ કરીને તેનો માર્ગ બદલે છે.

(5:49 pm IST)