Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

બ્રિટનમાં રહેતા આ 100 વર્ષીય ડાળીએ પોતાનું ઘર ન છોડવું પડે એટલા માટે નથી કર્યા લગ્ન

નવી દિલ્હી: બ્રિટનમાં 100 વર્ષની એક મહિલાએ પોતાનું ખૂબ સુંદર ઘર છોડવું ન પડે તે માટે હજુ સુધી લગ્ન નથી કર્યા. 100 વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વિના રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે. 1921માં તેઓ 6 મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા તેમને લઇને બે માળના આ ઘરમાં રહેવા આવ્યા હતા. બસ ત્યારથી અહીં જ છે. વેરા પોતાના ઘરને આ ધરતી પરની સૌથી સુંદર જગ્યા માને છે અને આ ઘર છોડવું ન પડે તે માટે તેઓ અત્યાર સુધીમાં લગ્નના 4 પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે, જે તેમને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ મળ્યા હતા. તેઓ આ ઉંમરે પણ તંદુરસ્ત અને સ્ફૂર્તિલા છે. તેમની એક મોટી બહેન (મૅરી) અને એક નાનો ભાઇ (રોબર્ટ) પણ છે. જોકે, તે બન્ને બીજે રહેતા હોવાથી આ ઘરમાં વેરા એકલા જ રહે છે. વેરાએ ઉમેર્યું કે તેમને વૉકિંગ ગમે છે અને તેઓ નજીકના તમામ પહાડો ચઢી ચૂક્યા છે. તેઓ આ ઉંમરે પણ આરામથી ચાલી શકે છે. તેમના ઘરે રસોઇ બનાવવા અને ઘરકામ માટે એક મેઇડ આવે છે. તેઓ નજીકમાં રહેતા ભત્રીજા-ભત્રીજીઓ સાથે રોજ સવારે ફોન પર વાત કરે છે. વેરા ડ્રેસમેકર હતા પણ હવે નિવૃત્ત થઇ ચૂક્યા છે.

(5:56 pm IST)