Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

દક્ષિણ ચીનમાં આવેલ વરસાદના કારણોસર મૃતકઆંક વધીને 15એ પહોંચ્યો:અનેક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો

નવી દિલ્હી: દક્ષિણ ચીનમાં ભારે વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે. અહીં મુશળધાર વરસાદમાં ઓછામાં ઓછા 15 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે, દક્ષિણ પશ્ચિમ ચીનમાં લગભગ 1,200 કિમી દૂર યુનાન પ્રાંતમાં 3 લોકો ગુમ થયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભૂસ્ખલન પણ થયું હતું. ચીનના પૂર્વ કિનારે આવેલા ફુજિયાનમાં એક ફેક્ટરી પૂરના કારણે ધસી પડી હતી. અહીં રેસ્ક્યુ ટીમને 5 લોકોના મૃતદેહ મળ્યા હતા. ભૂસ્ખલનની ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે, અન્ય 3 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુઆંગ્સી પ્રદેશના શિનચેંગમાં પૂરમાં ત્રણ બાળકો તણાઈ ગયા હતા. જેમાં 2 મૃત્યુ પામ્યા અને એક બાળકનો બચાવ થયો હતો. વાવાઝોડાને કારણે યુનાનના ક્યુબેઈ કાઉન્ટીમાં રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા છે. કમ્યુનિકેશન લાઈનો તૂટી ગઈ. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ક્યુબેઈ કાઉન્ટી ચીન-વિયેતનામ સરહદથી લગભગ 130 કિલોમીટર ઉત્તરમાં છે. કિનારાનું શહેર ઝિયામેનથી લગભગ 210 કિલોમીટર દૂર આવેલા વુપિંગ કાઉન્ટીમાં પણ ભારે વરસાદ થયો હતો. અહીં રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા હતા. વાવાઝોડાના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. અહીં 39 મકાનો ધરાશાયી થયા હતા. બચાવ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે વુપિંગ કાઉન્ટીમાં 1,600 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 

(6:19 pm IST)