Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બોલો લોકડાઉનમાં લોકોને જાતે હેરકટ કરવા પડે છે

લંડન,તા.૨૮: લોકડાઉન જાહેર થયું ત્યારે એક જોક વાંચવા મળેલો કે મોદીજી, વચ્ચે બે વાર નાઈની દુકાન ખોલવાની છૂટ આપજો નહીંતર એકવીસ દિવસના અંતે બાવા અમને ઉપાડી જશે. ખરેખર વાળ કાપવાની સમસ્યા દુનિયાભરમાં થઈ રહી છે અને બ્રિટનમાં તો લોકોએ એના જબરા પ્રયોગો પણ શરૂ કરી દીધા છે. હંમેશ કામગરા બ્રિટિશર્સ માટે આ દિવસો વસમા જઈ રહ્યા છે. નાઈની દુકાનો બંધ છે અને હેરકટ વિશે યુટ્યુબ જેવી વેબસાઇટ્સ પર માર્ગદર્શનો ઉપલબ્ધ હોવા છતાં લોકોને માટે પ્રેકિટસ વગર કાતર અને કાંસકા જેવાં સાધનો ચલાવવાનું શરૂ કરી દીધું છે. એને કારણે લંડન, લેસ્ટર, મેન્ચેસ્ટર કે વેલ્સ દરેક ઠેકાણે થોડા દિવસમાં ઘેર-ઘેર હેરસ્ટાઇલિસ્ટ્સ વિકસી રહ્યા છે.બાવીસ વર્ષની લારાએ હેરસ્ટાઇલિંગની કોશિશ કરી ત્યારે તેના માથાની બરાબર વચ્ચે ત્રિકોણાકાર ગેપ રહી ગયો છે. વીસ વર્ષનો મેટ પણ ઘણા પ્રયત્નો પછી કેશકર્તન અડધું મૂકી ચૂકયો છે. વીસ વર્ષનો જોશ ઘણી કોશિશો પછી ફકત તપેલી કટ કરીને ભવિષ્યમાં ફરી વાળ કાપવાના પ્રયોગો નહીં કરવાનો નિશ્ચય કરીને બેઠો છે. એવી જ રીતે ૨૩ વર્ષના હેરીના માથા પર તપેલી કટ હેરસ્ટાઇલ દેખાય છે. બાવીસ વર્ષનો ટોમી અને એ જ ઉંમરનો ઓલી ઉંદરે કાતરેલા વાળ જેવી સ્થિતિમાં છે. આમ ઘેર-ઘેર ફની ઘટનાઓ બની રહી છે અને લોકો સોશ્યલ મીડિયા પર એ તસવીરો શેર કરીને આનંદ માણી રહ્યા છે.

(4:04 pm IST)