Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ટોકયોમાં જન્મ્યું દુનિયાનું સૌથી નાનું બાળક

બાળકનું જન્મ સમયે વજન માત્ર ૨૬૮ ગ્રામ હતું

ટોકીયો તા. ૨૮ : જાપાનના ટોકયોમાં દુનિયાનું સૌથી નાનું જીવિત બાળક (છોકરો) જન્મના ૨૪ સપ્તાહ બાદ સ્વસ્થ હાલતમાં તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યું છે. આ બાળકનું જન્મ સમયે વજન માત્ર ૨૬૮ ગ્રામ હતું. હજુ સુધી માતા-પિતાએ આ બાળકનું નામકરણ કર્યું નથી. ૨૪ સપ્તાહ પહેલા માતાના ગર્ભાશયમાં બાળકનો વિકાસ અટકી ગયો હતો, જયાર બાદ તેને સર્જરી કરી જન્મ આપવામાં આવ્યો.

જયારે બાળકનો જન્મ થયો ત્યારે તે બટરની સ્લાઈસના આકારનું હતું. એટલું જ નહીં, તેનું વજન પણ ખૂબ ઓછું હતું. આવામાં ડોકટર્સ માટે સંઘર્ષ વધુ હતો. ૨૪ સપ્તાહ બાદ હવે બાળકનું વજન ૩૧૭૫.૧૫ ગ્રામ છે. આ ઘટના ટોકયોની કીયો યુનિવર્સિટી હોસ્પિટલની છે.બાળકની માતાએ કહ્યું કે, 'હું માત્ર એટલું જ કહીશ કે, હું ખૂબ ખુશ છું. સાચું કહું તો મને બિલકુલ વિશ્વાસ નહોતો કે, મારો દીકરો બચશે પણ ભગવાનનો આભાર કે, તે જીવિત છે અને સ્વસ્થ છે.'

નવજાતની સારવાર કરનારા ડોકટર તાકેશી અરિમિત્સુનું કહેવું છે કે, 'જયારે બાળક પેદા થયું ત્યારે તે બહુ નાનું અને નબળું હતું પણ મને મેડિકલ સાયન્સ પર પૂરો વિશ્વાસ હતો.' કીયો યુનિવર્સિટી હોસ્પિટલના નામે દુનિયાનું સૌથી નાનું બાળક ડિલિવર કરવાનું અને તેને સકુશળ રાખવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે.આ અગાઉ સૌથી નાના બાળકોનો રેકોર્ડ જર્મનીમાં બન્યો હતો. ત્યાં ૨૦૦૯માં એક બાળક (છોકરો) પેદા થયો હતો, જેનું વજન ૨૭૪ ગ્રામ હતું. જયારે સૌથી નાની બાળકીનો રેકોર્ડ પણ જર્મનીએ જ બનાવ્યો હતો. ૨૦૧૫માં જન્મેલી આ બાળકીનું વજન માત્ર ૨૫૨ ગ્રામ હતું જે બાળકીઓની બાબતમાં હજુ પણ વર્લ્ડ રેકોર્ડ છે.  આ જીવિત બાળકોની ડિલિવરીનો રેકોર્ડ છે.(૨૧.૧૧)

 

(12:12 pm IST)